Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

હળવદમાં દોઢ ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલ વાતાવરણ સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે વરસતો હળવો-ભારે વરસાદ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર સવારથી ગોરંભાયેલ વાતાવરણનો માહોલ જામ્યો છે અને હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

આજે સવારે મોરબી જીલ્લાના હળવદમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે અન્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા છે.આ ઉપરાંત રાજકોટ શહેર, અમરેલી, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર, મોરબી, માળીયા મિંયાણામાં ઝાપટા વરસ્યા છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : શહેરમાં આજે સવારના ૯ વાગ્યાથી અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જે કન્ટ્રોલ રૂમમાં ૧૦ મી. મી. એટલે કે 'પા' ઇંચ નોંધાયો હતો. જયારે ધ્રોલમાં ઝાપટા પડયા હતાં. તો જોડીયાના પીઠડમાં અડધો ઇંચ વરસ્યો હતો.

આજનું હવામાન ૩ર.પ મહત્તમ, રપ.પ લઘુતમ ૯૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : શહેરમાં કાલે એક ઇંચ વરસાદ બાદ કાળાડિબાંગ વાદળા સાથે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અને ૬ મી. મી. નોંધાયો હતો.

મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે સવારથી વરસાદી માહોલ બાદ બપોરે વીજળીના કડાકા અને ભડાકા તેમજ ભારે મેઘગર્જના સાથે વરસાદનો પ્રારંભ થયો હતો બપોરના સુમારે વરસાદ શરુ થતા જ શહેરના અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો

મોરબી શહેર ઉપરાંત ઘૂટું, લાલપર, મહેન્દ્રનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો તો મોરબી શહેરમાં સાવસર પ્લોટ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ અને સામાકાંઠે કલેકટર કચેરી સહિતના વિસ્તારમાં વરસાદ શરુ થયો હતો અને બપોરે બે કલાકમાં મોરબીમાં ૨૬ મીમી એટલે કે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બજરંગ હોલ પર વીજળી પડી હતી સામાકાંઠે નિત્યાનંદ સોસાયટી નજીકના વિસ્તારમાં આવેલ બજરંગ હોલ નામના બિલ્ડીંગ પર વીજળી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જોકે ગાજવીજ સાથે વરસાદ અને સામાકાંઠા વિસ્તારમાં વીજળી ખાબકતા સ્થાનીકોમાં ભય જોવા મળ્યો હતો.

વિંછીયા

(પિન્ટુ શાહ) વિંછીયા :.. રવિવારે વિંછીયામાં બપોર બાદ અડધો ઇંચ વરસાદ  વરસી ગયો હતો. આજે સોમવારે સવારે પણ વિંછીયામાં વરસાદી ઝાપટુ વરસી ગયુ હતું. ચાલુ વર્ષ ચોમાસામાં રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડયો છે. તેવા વિંછીયા તથા તાલુકામાં મેઘ મહારાજા રીઝે અને અનરાધાર - ધોધમાર વરસે અને નદી - નાળા- તળાવ છલકાવી દે તેવી આબાલ વૃધ્ધો પ્રાર્થના કરી રહ્યા છે.

(1:13 pm IST)