Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાદર ડેમ છલકાયો : ભડભાદર ભાદર ૨૪મી વખત છલકાયોઃ બે દરવાજા ખોલાયા

આજી-ન્યારી બાદ હવે ભાદર છલકાતા રાજકોટવાસીઓને પાણી માટે આખા વર્ષની નિરાંત : ૯૬પ કયુસેકનો ધસમસતો પ્રવાહઃ ૧ર.૩૦ વાગ્યાથી ૧ ફુટ સુધી દરવાજા ખોલાયાઃ નીચાણવાસમાં આવેલા જેતપુર-નવાગઢ, જામકંડોરણા તાલુકા સહીત રર ગામોમાં રેડ એલર્ટઃ નદીના પટમાં અવર-જવર પર પ્રતિબંધ

રાજકોટ તા. ૨૭ : સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ ભાદર છેલ્લા ત્રણ ચોમાસામાં સતત ત્રીજી વખત અને અત્યાર સુધીમાં ૨૪મી વખત આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે ઓવરફલો થઇ ગયો હતો. છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો અને ૩૪ ફુટે છલકાતા ભાદર-૧ ડેમમાં આજે ૯૬૫ કયુસેકનો જળપ્રવાહની ધસમસતી આવક થવા લાગતા ડેમના ૨ દરવાજા ૧ ફુટ સુધી ખોલી નંખાયા છે અને નીચાણવાસના ૨૨ ગામોમાં રેડ એલર્ટ જારી કર્યું છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર-૧ ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના બે દરવાજા ૧૨.૩૦ વાગ્યે ૧ ફુટ ખોલવામાં આવશે. જળાશયની હાલની સપાટી ૧૦૭.૮૯ મીટરની છે. ડેમમાં હાલ ૯૬૫ કયુસેકના પ્રવાહની આવક છે, અને ડેમમાંથી ૯૬૫ કયુસેકનો પ્રવાહ છોડવામાં આવશે. આથી ભાદર-૧ ડેમ ના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા મસીતાળા ભંડારિયા ખંભાલીડા અને નવાગામ જેતપુર તાલુકાના મોણપર થી રસરાજ દેરડી જેતપુર નવાગઢ રબારીકા સરદાર પાંચપીપળા કેરાડી અને લુણાગરા જેતપુર તાલુકાના જ લુણાગરી અને વાડાસડા જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા તથા ધોરાજી તાલુકાના રેગડી ભકિત અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

(3:19 pm IST)