Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખંભાળિયામાં સસ્પેન્ડેડ પોલીસ દ્વારા ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી : બે મહિલાઓ સહિત સાત ઝબ્બે

જામ ખંભાળિયા,તા. ૨૭: ખંભાળિયા રાત્રિના સમયે પોલીસે જુગારધામ ઉપર દરોડો પાડી, પોલીસે સસ્પેન્ડેડ પોલીસ દ્વારા ચલાવતા જુગાર પર દરોડો પાડયો હતો, જેમાં બે મહિલાઓ સહિત કુલ સાત ખેલાડીઓ ૧.૭૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર કરેલી વિગત મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના અઢી વાગ્યે ચોક્કસ બાતમીના આધારે અહીંના શ્રીજીસાનિધ્ય સોસાયટીની પાછળના ભાગે પિયુષ રસિકલાલ બગડાઈ નામના એક આસમીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ઉપરોકત શખ્સ દ્વારા પોતાના કબજા- ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે જુગાર રમવાના સાધનો પૂરા પાડી, તેના બદલામાં ચોક્કસ રકમ ઉઘરાવી અને ગંજીપત્ત્।ા વડે રમતા જુગારમાં પોલીસે માંઝા ગામના સુરા રાજા કારીયા, દેવા ખીમા જામ, કરણસિંહ અજીતસિંહ વાઘેલા, પ્રવીણ સવજીભાઈ નકુમ, મેમુનાબેન મહંમદ ઉમરભાઈ રૃંજા અને રંજનબા અજીતસિંહ વાઘજીભીને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ પતાપ્રેમીઓ પાસેથી પોલીસે કુલ ૫૩,૭૦૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૧૧ હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા ૧.૧૦ લાખની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૭૪,૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ ૪-૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ જેના મકાનમાં જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો, તે પિયુષ બગડાઈ અહીં ઍ.ઍસ.આઈ. તરીકે અગાઉ ફરજ બજાવતા હતા અને થોડા સમય પૂર્વે ચોક્કસ કારણોસર જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

(10:43 am IST)