Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કલ્યાણપુર નજીક નદીના પાણીમાં લાપતા બનેલા અન્ય એક યુવાનનો મૃતદેહ મળ્યો : દ્વારકા જીલ્લામાં કમોતના ત્રણ બનાવ

જામખંભાળિયા,તા.૨૭: કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે શનિવારે સવારે નદીના પાણીમાં અકસ્માતે પડી ગયેલા બે યુવાનો પૈકી લાપતા બનેલા બીજા એક યુવાનનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો.

વિગત મુજબ કલ્યાણપુરથી આશરે ૩૫ કિલોમીટર દૂર બામણાસા ગામે હાલ હરીપર ગામે રહેતા દશરથસિંહ નારૂભા વાઢેર તથા તેમના ભાઈ અજીતસિંહ નારૂભા વાઢેર નામના બે બંધુઓ શનિવારે સવારે દસેક વાગ્યે આ ગામની નદીના પાસે ઢોર ચરાવવા ગયા હતા, ત્યારે પાણીના શેવાળમાં લપસી જતાં બંને યુવાનો નદીના પાણીમાં લાપતા બન્યા હતા. જે પૈકી શનિવારે બપોરે દશરથસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો અને અજીતસિંહની શોધખોળ માટે આર.એસ.પી.એલ. કંપની તથા એનડીઆરએફની ટીમ દ્વારા સ્થાનિક તરવૈયાઓને સાથે રાખીને શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ શનિવારે રાત્રીના અજીતસિંહનો કોઈ પત્ત્।ો મળ્યો ન હતો. પરંતુ ગઈકાલે રવિવારે સવારે ઘટના સ્થળથી થોડે દૂર પાણીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ સમગ્ર બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

બહેન સાથે બોલાચાલીનું મનદુઃખ રાખી, રાવલની યુવતીએ મોત મીઠું કર્યું

કલ્યાણપુર તાલુકાના રાવલ હનુમાનધાર ખાતે રહેતી નીતાબેન વેજાભાઈ હમીરભાઈ જમોડ નામની ૧૯ વર્ષની અપરિણીત યુવતીને તેની બહેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હોવાથી આ બાબત નીતાબેનને મનમાં લાગી આવતા તેણીએ ઘરમાં રહેલી જંતુનાશક દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હોવાની જાણ મૃતકના પિતા વેજાભાઈ હમીરભાઈ જમોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.

શામળાસરના પ્રૌઢે ઝેરી દવા પી લેતા મૃત્યુ

દ્વારકા તાલુકાના શામરાસર ગામે રહેતા માણેકના ૫૫ વર્ષના પ્રૌઢને દારૂ પીવાની કુટેવ હોય તેણે ગત તારીખ ૨૦દ્ગક્ન રોજ કોઈ અગમ્ય કારણોસર શાકભાજીમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતાં તેમનું મૃત્યુ નીપજયું હતું. આ અંગેની જાણ કરસનભા ધનાભા માણેકએ ઓખા મરીન પોલીસને કરી છે.

અકસ્માતે પટકાતા દ્વારકાના યુવાનનું અપમૃત્યુ

દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમ પાછળ રહેતા ગોવિંદભાઈ ટપુભાઈ ગોહેલ નામના ૪૮ વર્ષના યુવાન બીજા માળે ફર્નિચર લગાવવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચક્કર આવતા બીજા માળેથી તેઓ નીચે જમીન પર પટકાયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયું હોવાનું જાણ મૃતકના પુત્ર સમીર ગોવિંદભાઈ ગોહેલ દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે.

ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી

ખંભાળિયા શહેરમાં રામ મંદિર નજીક સતવારા શેરી ખાતે રહેતા હેમેન્દ્રભાઈ વસંતભાઈ નકુમ નામના ૩૫ વર્ષના યુવાને કોઈ કારણોસર અહીંના શકિતનગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ કનકસિંહ પરમાર (ઉ.વ. ૨૫) નામના શખ્સે બિભત્સ ગાળો કાઢી, રાત્રિના દસેક વાગ્યે તેમના ઘરે આવીને અન્ય બે અજાણ્યા શખ્સો પૈકી એક શખ્સે લાકડાના ધોકા સાથે ધમકાવી, અન્ય એક શખ્સ અત્રે જુની મામલતદાર ઓફિસ પાસે રહેતા હરદીપસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ. ૨૩) સાથે મળી, બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાટીયામાં દારૂસાથે બે શખ્સો ઝબ્બે : એક ફારાર

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી સ્થાનિક પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી દારૂ અંગેની કામગીરી અંતર્ગત રાત્રીના સાડા બાર વાગ્યે ભાટીયા ગામના સાજણ રામશીભાઈ ગોજીયા (ઉ.વ. ૨૦) અને અજુ એભાભાઈ લાધવા (ઉ.વ. ૩૨) નામના બે શખ્સોની પોલીસે વિદેશી દારૂની બે બોટલ તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫,૮૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. આ દરોડામાં ભાટીયા ગામના લખુભા મેરૂભા માણેક નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે હાલ તેને ફરાર ગણી પ્રોહીબીશન એકટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.

(10:39 am IST)