Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સૌરાષ્ટ્રના ૮૦માંથી ૨૮ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ:સૌથી વધુ લોધિકામાં ૧૯૫ % અને સૌથી ઓછો વિંછીયામાં ૩૯.૦૩ % વરસાદ

૧૫ તાલુકામાં હજુ વરસાદની ખાદ્ય, માત્ર ૮થી ૧૫ ઈંચ જ વરસાદ પડયો: સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૯૨.૭૫ ટકા વરસાદ વરસ્યો

રાજકોટ : ભાદરવો મહિનો વરસાદમાં ભરપૂર રહેતા સૌરાષ્ટ્રમાં વરસાદની ખાદ્ય પૂરાઈ ગઈ છે સાર્વત્રીક પૂરતા વરસાદના કારણે હવે રવિ પાકનું ચિત્ર પણ ઉજળું થઈ ગયું છે. સૌરાષ્ટ્રના ૮૦ તાલુકામાંથી ૨૮ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૯૨.૭૫ ટકા વરસાદ પડી ગયો છે જયારે બે જિલ્લાના તમામ તાલુકામાં ૧૦૦ ટકા વરસાદ ખાબકી ગયો છે. તેમાં પોરબંદર અને દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે.જયારે ૧૫ તાલુકામાં હજુ વરસાદની ખાદ્ય છે આ ૧૫ તાલુકામાં અત્યાર સુધીમાં માત્ર ૮થી ૧૫ ઈંચ જ વરસાદ પડયો હોવાથી આગામી ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ મળી રહ્યા છે.

   રાજકોટ જિલ્લામાં ઓણસાલ સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર વરસાદ પડયો છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ લોધિકામાં પડયો છે આ તાલુકમાં સિઝનનો ૫૩ાા ઈંચ વરસાદ પડયો છે ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે એક જ દિવસમાં ૩૦ ઈંચ વરસાદથી વ્યાપક નુકશાન થયું છે જયારે સૌથી ઓછો વરસાદ પણ રાજકોટ જિલ્લાના વિછીંયા તાલુકામાં પડયો છે વિંછીયામાં માત્ર ૮ાા ઈંચ જ વરસાદ પડતા આ વિસ્તારમાં પીવાના પાણીની કટોકટી થવાની દહેશત છે.
રાજકોટ શહેરમાં પણ સપ્ટેમ્બર મહિનાએ શહેરનું જળસંકટ ટાળી દીધું છે. શહેરમાં અત્યાર સુધીમાં ૪૬.૫૦ ઈંચ વરસાદ વરસી જતા શહેરના તળ સાજા થઈ ગયા છે. એટલું જ નહી આજી અને ન્યારી ડેમ પણ છલકાઈ ગયા છે.

(10:08 am IST)