Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

વેરાવળના ચાંડુવાવના કુંભાર દંપતિ, અને બે બાળકોને બેભાનીયુ પીણું પાઇ લૂંટી લેવાયા

જુનાગઢના રેલ્વે સ્ટેશને અજાણ્યા મહિલા-પુરૂષે ઠંડુ પીણુ પીવડાવ્યું: મનસુખભાઇ, તેના પત્નિ અને બાળકો ભાનમાં આવ્યા ત્યારે હોસ્પિટલમાં હતાં: ચેઇન, રોકડ, કપડા, મોબાઇલ ફોન લઇ જવાયા ભાઇને રાખડી બાંધવા પતિ-બાળકો સાથે લીલીબેન રાજકોટ આવી રહી હતી

રાજકોટ તા. ૨૭: વેરાવળ (સોમનાથ)ના ચાંદુવાવ સોરઠીયા પ્રજાપતિ પરિવારના પતિ-પત્નિ અને પુત્ર-પુત્રીને જુનાગઢ રેલ્વે સ્ટેશને ભેટી ગયેલા ગઠીયા દંપતિએ બેભાનીયું ઠંડુ પીણું પાઇ રોકડ, ચેઇન, મોબાઇલ ફોન, કપડાનો થેલો લૂંટી લેંતાં ચકચાર જાગી છે. દંપતિ અને બે સંતાન જુનાગઢથી રાજકોટ આવવા ટ્રેનમાં બેઠા હતાં...તે ભાનમાં આવ્યા ત્યારે રાજકોટ હોસ્પિટલમાં હતાં. પ્રજાપતિ મહિલા રાજકોટ રહેતાં ભાઇને રાખડી બાંધવા પતિ, સંતાનોને લઇને આવી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ વેરાવળના ચાંદુવાવ ગામે રહેતાં અને પ્રસંગોમાં રસોઇયા તરીકે કામ કરતાં મનસુખ નારણભાઇ કાતરીયા (કુંભાર) (ઉ.૩૮)ના પત્નિ લીલીબેન કાતરીયા (ઉ.૩૫)ને રાજકોટ કોઠરીયા સોલવન્ટમાં રહેતા તેના ભાઇ રમેશભાઇ કુકડીયાને રાખડી બંધવા આવવું હોઇ શનિવારે સાંજે છ વાગ્યે આ દંપતિ અને તેના સંતાનો બંસી (ઉ.૯) તથા માનવ (ઉ.૧) ગડુ રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતાં. ત્યાં ટ્રેન ઉપડી જતાં બંને પતિ-પત્નિ સંતાનો સાથે ટિકીટ લીધા વગર જ ટ્રેનમાં ચડી ગયા હતાં. જુનાગઢ ઉતરીને બીજી ટ્રેન મારફત રાજકોટ આવવાનું હોઇ ત્યાં ટ્રેનની રાહ જોઇને પ્લેટફોર્મ પર બેઠા હતાં. એ દરમિયાન તેની પાસે એક દંપતિ આવ્યું હતું અને તેની સાથે પણ ત્રણ નાની છોકરીઓ હતો.

અજાણ્યા દંપતિએ પોતે ભાવનગર તરફના હોવાનું અને મેળાઓમાં રમકડા વેંચતા હોવાની વાતો કરી હતી. એ પછી એ શખ્સે મનસુખભાઇને ચા પીવાનો આગ્રહ કર્યો હતો. પણ તેણે ચા પીવાની ના પાડી હતી. થોડીવાર બાદ એ શખ્સ ઠંડાપીણાની બોટલ લાવ્યો હતો જે આપતાં મનસુખભાઇ, તેના પત્નિએ તેમાંથી પીણુ પીધુ હતું અને પોતાના બાળકો બંસી તથા માનવને પણ પીવડાવ્યું હતું. ત્યાં જ ટ્રેન આવી જતાં ચારેય તેમાં બેસી ગયા હતાં. થોડીવાર બાદ ચક્કર આવી ગયા હતાં અને સવારે ઉઠ્યા ત્યારે રાજકોટ હોસ્પિટલમાં હોવાની ખબર પડી હતી.

ટ્રેન રાજકોટ ઉભી રહી ગઇ છતાં આ ચારેય નહિ ઉતરતાં પોલીસે તપાસ કરી હતી અને રાજકોટ રહેતાં મનસુખભાઇના સાળા સહિતનાને જાણ કરી હતી. ચારેયને સિવિલમાં ખસેડાયા હતાં. આજે સવારે ભાનમાં આવેલા મનસુખભાઇએ જણાવ્યું હતું કે ચારેયને બેભાન કરી ઠગ દંપતિ સોનાનો ચેઇન, રોકડા પ હજાર, મોબાઇલ ફોન અને કપડાનો થેલો લૂંટી ગયા છે. રેલ્વે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(12:05 pm IST)