Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ગ્રામીણ સમાજ અને તેના આધુનિકીકરણમાં એસ.સી. દુબેનું અનન્ય પ્રદાન છેઃ પ્રો. દિવાકરસિંહ રાજપુત

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા સમાજશાસ્ત્રી સ્વ. એસ.સી. દુબેના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ : લોકલ સે વોકલ અને ત્યાંથી ગ્લોબલ તરફ ગતિ કરવામાં ભારતીય સમાજશાસ્ત્રીઓનો સિંહફાળો છેઃ કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતન ત્રિવેદી : બદલાતુ ગામડુ તથા આદિવાસી વિસ્તાર ક્ષેત્રે પણ એસ.સી. દુબેએ સમાજોપયોગી કાર્ય કર્યુ છેઃ પ્રો. રમેશ મકવાણા : ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી હજ્જારો લોકો આ નેશનલ વેબિનારમાં ઓનલાઈન જોડાયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૭ :. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા ભારતના મહાન સમાજશાસ્ત્રી સ્વ. પ્રો. એસ.સી. દુબેના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમાજશાસ્ત્રી તથા માનસશાસ્ત્રી સ્વ. પ્રો. એસ.સી. દુબેનો જન્મ ૨૫ જુલાઈ, ૧૯૨૨ના રોજ થયો હતો અને હવે તેઓનું જન્મ વર્ષ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યુ છે.

ઉજવણીના પ્રારંભે યોજાયેલ નેશનલ વેબિનારમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે સ્વ. એસ.સી. દુબેએ સ્વતંત્રતા પહેલાના તથા સ્વતંત્રતા પછીના એમ બન્ને ભારતીય સમાજમાં ઉપયોગી સંશોધન કાર્ય કર્યુ છે ત્યારે અન્ય દેશોના સમાજશાસ્ત્રીઓ કરતા ભારતીય સમાજશાસ્ત્રીઓની જવાબદારી ઘણી વધી જતી હોય છે. ઘણા બધા ધર્મો સાથેના ભારતીય સમાજને લોકલ સે વોકલ અને ત્યાંથી ગ્લોબલ તરફ ગતિ કરવામાં ભારતીય સમાજશાસ્ત્રીઓનો સિંહફાળો છે. હાલમાં ભારતના ગામડાઓમાં પણ શહેરો જેવી સુવિધાઓ મળી રહે છે.

વેબિનારના બીજરૂપ વકતા અને ડો. હરિસિંહ ગૌર યુનિવર્સિટી, સાગર, મધ્યપ્રદેશના ડિપાર્ટમેન્ટ ઓફ સોશ્યોલોજી એન્ડ સોશ્યલ વર્કના હેડ અને રીજીયોનલ ડાયરેકટર પ્રો. દિવાકરસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે ગ્રામીણ સમાજ અને તેના આધુનિકીરણમાં સ્વ. એસ.સી. દુબેનું અનન્ય પ્રદાન છે. બહુઆયામી વ્યકિતત્વ ધરાવતા સ્વ. એસ.સી. દુબેનું આધુનિક ભારતના વિકાસમાં તથા વિવિધ આદિવાસી વિકાસ યોજનાઓમાં ખૂબ જ મોટું યોગદાન છે. સ્વ. એસ.સી. દુબેનો જન્મ મધ્યપ્રદેશમાં થયો હોય, પ્રો. રાજપૂતે એસ.સી. દુબેના ઘણા અજાણ્યા અને સમાજોપયોગી કાર્યોની માહિતી આપી હતી.

વેબિનારના અન્ય સ્પીકર અને સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. રમેશભાઈ એચ. મકવાણાએ ભારતના ગ્રામીણ સમાજમાં સામાજીક, ધાર્મિક, આર્થિક તથા સાંસ્કૃતિક પરીવર્તન લાવવામાં સ્વ. એસ.સી. દુબેની મુખ્ય ભૂમિકા હોવાનું કહ્યુ હતું. તેઓએ રચનાત્મક કાર્યાત્મકવાદની સમજણ આપી સ્વ. એસ.સી. દુબેના સંદર્ભમાં સંશોધન ક્ષેત્રે ફિલ્ડવર્કનું મહત્વ પણ સમજાવ્યું હતું.

વેબિનારની શરૂઆતમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને વેબિનારના કન્વીનર ડો. જયસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચનમાં મુખ્ય મહેમાનોનો પરિચય આપી સૌને આવકાર્યા હતા. ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન સમાજશાસ્ત્રી સ્વ. એસ.સી. દુબેની વ્યાખ્યાનમાળા યોજવાની જાહેરાત કરી હતી. વેબિનારનું સફળતાપૂર્વક સંચાલન ડો. પરાગ દેવાણીએ કર્યુ હતુ તથા આભારવિધિ ડો. ઋષિરાજ ઉપાધ્યાયે કરી હતી. ટેકનીકલ સપોર્ટ ડો. વિનીત વર્મા તથા કપિલ મકવાણાએ પુરો પાડયો હતો. યુનિવર્સિટીના ફેસબુક પેઈજ તથા યુ-ટ્યુબના માધ્યમથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી હજ્જારો લોકો આ નેશનલ વેબિનારમાં ઓનલાઈન જોડાયા હતા.

(12:54 pm IST)