Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિરે ધ્વજારોહણ માટે ઓટોમેટીક સિસ્ટમની ભેટ આપતા નરેશભાઇ પટેલ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડના ચેરમેને ઓટોમેટિક સિસ્ટમ મારફતે પ્રથમ ધ્વજારોહણ કરી સોમનાથ મહાદેવના આશિર્વાદ લીધા : હવે સીડીનો ઉપયોગ નહીં કરવો પડે : ઓટોમેટિક સિસ્ટમથી ધ્વજા ચડાવી શકાશે

 

વેરાવળ - પ્રભાસ પાટણ તા. ૨૭ : દેશના ૧૨ જયોર્તિલિંગ પૈકીના પ્રથમ જયોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર ઓટોમેટિક ધ્વજારોહણ થઈ શકે તે પ્રકારની સિસ્ટમની શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ભેટ આપવામાં આવી છે. આ ઓટોમેટિક સિસ્ટમ થકી આજે સૌપ્રથમ ધ્વજારોહણ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી નરેશભાઈ પટેલ દ્વારા સોમનાથ મંદિરને ધ્વજારોહણ માટે ઓટોમેટિક સિસ્ટમની ભેટ ધરતા હવેથી સીડીનો ઉપયોગ નહીં કરવો પડે અને ભકતો નીચે ઉભા રહીને જ ધ્વજારોહણના દર્શન કરી શકશે.

ઘણા રાજયમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે ૨૬ જુલાઈના રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી અને શિવ ભકત એવા નરેશભાઈ પટેલે સોમનાથ મંદિર ટ્રસ્ટને ધ્વજારોહણ માટેની ઓટોમેટિક સિસ્ટમ ભેટ ધરી છે. આજે આ ઓટોમેટિક સિસ્ટમ મારફતે પ્રથમ ધ્વજારોહણ નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલે પરિવાર સાથે સોમનાથ દાદાના ચરણોમાં માથું ટેકવીને, ધ્વજાજીની પૂજન વિધિ કર્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.

મહત્વનું છે કે, સોમનાથ મંદિરે અલગ અલગ ભકતો દ્વારા દરરોજ ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે. અત્યાર સુધી સોમનાથ મંદિરે ધ્વજા ચડાવવા માટે સીડી મારફતે ઉપર જવું પડતું હતું. પરંતુ આ ઓટોમેટિક સિસ્ટમની સેવા શરૂ થવાથી ઉપર જવું નહીં પડે. નીચે ઉભા રહીને જ આ આધુનિક ઓટોમેટિક સિસ્ટમથી ધ્વજારોહણના દર્શન કરી શકાશે. આ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ૧૫૦ ફૂટની ઉંચાઈ સુધી ધ્વજારોહણ કરી શકાય છે. આ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ શ્રી ખોડલધામ મંદિર ખાતે પણ કાર્યરત છે.

(11:48 am IST)