Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કચ્છમાં ૨ થી ૫ ઇંચ : જુનાગઢ - જામનગર ગ્રામ્યમાં ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધુપ - છાંવના માહોલ સાથે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ

પ્રથમ તસ્વીરમાં કચ્છમાં વરસાદી પાણી, બીજી તસ્વીરમાં ગોંડલમાં વરસતો વરસાદ નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા - ભુજ, ભાવેશ ભોજાણી - ગોંડલ)

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે. કચ્છમાં ૨ થી ૫ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા શ્રાવણી મલ્હાર વરસાવી રહ્યા છે. રાજકોટમાં દિવસભર વાદળછાયા વાતાવરણ અને બફારા વચ્ચે બપોર વચ્ચે ઝાપટુ વરસી ગયું. કોટડાસાંગાણીમાં ત્રણ કલાકમાં બે ઇંચ પાણી વરસી જતાં ખેડૂતોમાં આનંદ છવાયો, તો રાજકોટ જિલ્લાના ગોંડલ, જસદણ સહિતના પંથકમાં પણ હળવાથી ભારે ઝાપટા વરસ્યા છે. અમરેલીના વડિયામાં પણ ભારે ઝાપટા વરસ્યા, તો જામનગર સિટીમાં ઝાપટું તો ગ્રામીણ વિસ્તારમાં હળવાથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટમાં રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો અનુભવાયો હતો. દરમિયાન બપોરે ભારે ઝાપટુ વરસી ગયું હતું. જિલ્લાના કોટડાસાંગાણીમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. કોટડાસાંગાણીમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ઘેઘુર વાદળો વચ્ચે બે ઇંચ જોરદાર વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદના પગલે નાના મોટા જળાશયોમાં પાણીની આવક થવા પામી હતી.

ભુજ

ભુજ : આગાહી વચ્ચે કચ્છમાં વરસાદી માહોલ તો બન્યો છે. જોકે, કયાંક ભારે ધોધમાર તો કયાંક છૂટો છવાયો વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિ'થી ગોરંભાયેલા આકાશ વચ્ચે કચ્છમાં રણકાંધીના વિસ્તારમાં ધોધમાર તો અન્યત્ર ઝાપટાં અને કોરો ધાકોડ માહોલ રહ્યો છે. ખાસ કરીને ખાવડાથી ખડીર સુધીની રણકાંધીએ ધોધમાર બે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખડીર પંથકમાં ધોળાવીરા સહિત અન્યત્ર વીજળીના ભારે કડાકા ભડાકા સાથે ત્રણથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. જયારે રાપર, માંડવી અને મુન્દ્રામાં છુટાછવાયા ઝાપટાઓ સાથે અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે, હજીયે આગાહી સાથે વરસાદી માહોલ હોઈ વરસાદ પડશે એવી આશા છે.

જુનાગઢ

જૂનાગઢ : જૂનાગઢમાં આજે સવારે હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

સવારે ૮ થી ૧૦ના બે કલાકમાં જૂનાગઢ ખાતે ત્રણ મીમી પાણી પડયાનું નોંધાયું હતું. જૂનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ નથી પરંતુ સવારથી જોરદાર વરસાદી માહોલ છે.

જામનગર

જામનગર : જિલ્લાના જામનગર શહેર વસઇ, લાખાબાવળ, દરેડ, હડિયાણા, બાલંભા, વાંસજાળીયા, પરડવામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.(

(11:48 am IST)