Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મહાદેવને નવધાન્ય શ્રૃંગાર

સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લેતા ભાવિકોઃ પાસ અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા ભાવિકોને જ પ્રવેશ

પ્રથમ તસ્વીરમાં શ્રી સોમનાથ મહાદેવને નવધાન્ય શ્રૃંગાર, બીજી તસ્વીરમાં ગઇકાલે યોજાયેલ વસ્ત્ર શ્રૃંગાર અને ત્રીજી તસ્વીરમાં ભાવિકો દર્શન કરતા નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલ : દિપક કકકડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ)

વેરાવળ-પ્રભાસપાટણ તા. ર૭ :.. આજે શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે નવધાન્યનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીના કારણે ભાવિકોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાસ અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા ભાવિકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના શિવ મંદિરોમાં પણ નિયમોના પાલન સાથે દર્શન ભાવિકો કરી રહ્યા છે.

શ્રાવણનાં પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના મંદિરે કોઇ જાતની અવ્યવસ્થા ન થાય તે માટે સોમનાથ ટ્રસ્ટનાં અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા રાત્રીથી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

સોમવારના રોજ મંદિર પ.૩૦ કલાકે ખુલ્યુ હતું. અને દર્શન માટે લોકોને જવા દેવામાં આવશે સોમનાથ પથીકાશ્રમની જગ્યામાં યાત્રીકોને પાસ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે લોકોનાં ઘસારાને ધ્યાને  રાખીને ૪ થી પ ટેબલ ઉપર પાસનું વિતરણ કરવામાં આવશે અને એક પાસમાં વધુમાં વધુ પ વ્યકિત જઇ શકશે તેમજ કલાકમાં ૭૦૦ થી ૮૦૦ લોકો દર્શનનો લાભ લઇ શકશે તેમજ દિવસ દરમ્યાન પાસ મેળવીને તેમજ ઓનલાઇન બુકીંગ સહિત ૮ થી ૯ હજાર લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. સોમવારનાં વધુ ભીડને કારણે રોજનાં પ્રમાણમાં એકસ્ટ્રા સ્ટાફ  રાખવામાં આવશે તેમજ ત્રણે ટાઇમની આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશની મનાય છે. મંદિર વહેલી સવારનાં ખુલતાની સાથે પ્રાત મહાપૂજા, પ્રાંત આરતી ૭ કલાકે, ૭.૪પ કલાકે સવાલક્ષ બિલ્વામેન, ૯ કલાકે યાત્રીકો દ્વારા નોધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ, ૧૧ કલાકે મધ્યાન્હ મહાપુજા, ૧ર કલાકે મહાદુગ્ધ અભિષેક, ૧ર કલાકે મધ્યાન્હ આરતી, સાંજના પ થી ૮ કલાકનાં સાંય શ્રૃંગાર દર્શન, દિપમાળા, ૭ કલાકનાં સાંજની આરતી.

સોમનાથ ટ્રસ્ટનાં અતિથીગૃહોમાં ઉતરેલા ભાવીકો બુકીંગ ઓફીસે પણ દર્શનનો પાસ મેળવી શકશે તેમજ સોમનાથ ટ્રસ્ટનાં અધિકારીઓ અને સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષકએ વ્યવસ્થા ગોઠવેલ છે.

(11:06 am IST)