Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

વધુ ૨૦ કેસ : માત્ર ૨૬ દિ'માં જ ૨૯૯ કેસ સાથે કચ્છમાં કોરોનાની બેકાબૂ ગતિ

કુલ ૪૬૩ અને એકિટવ ૧૭૨ કેસ : હવે કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મીઓ ઝપટે : દર્દીઓ અને મોતના આંકડાઓ તંત્ર છુપાવતું હોઇ લોકોમાં ફફડાટ : સરકારના ડેશ બોર્ડમાં કચ્છના આંકડાઓમાં ફેરફારથી સરકારની પ્રતિષ્ઠા સામે સવાલ

ભુજ તા. ૨૭ : કચ્છમાં કોરોના બેકાબૂ ગતિએ વધી રહ્યો છે. વધુ ૨૦ કેસ સાથે કુલ કેસનો આંકડો ૪૬૩ ઉપર પહોંચ્યો છે. કોરોનાની બેકાબૂ ગતિનો ખ્યાલ આ જુલાઈ મહિનાના છેલ્લા ૨૬ દિ'ના આકડાઓથી આવે છે.ઙ્ગ ગઈકાલે ૨૦ કેસમાં ભુજમાં ૭, અંજાર શહેર અને તાલુકામાં મળીને ૭, આદિપુર અને ગાંધીધામમાં ૫ તેમ જ ભચાઉમાં ૧ કેસ નોંધાયો છે.

જેમાં કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ પણ ઝપટે ચડ્યા છે. ભુજની અદાણી જીકે હોસ્પિટલના તબીબ ડો. પાયલ વિરજી ગોગદાણી, અન્ય સ્ટાફ સભ્યો સવિતાઙ્ગ મેઘજી મહેશ્વરી, લિજુ કુરિયનને કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ મચ્યો છે. આજ સુધીના આંકડાઓ જોઈએ તો એકિટવ કેસ વધીને ૧૭૩, સાજા થયેલા દર્દીઓ ૨૬૭ અને કુલ દર્દીઓની સંખ્યા ૪૬૩ છે.

દરમ્યાન કચ્છ જિલ્લાના કોરોનાના આંકડાઓ અને માહિતી તેમ જ સરકારના ડેશ બોર્ડમાં માહિતી બાબતે વિસંગતતા વચ્ચે કેસ વધી રહ્યા હોઈ લોકોમાં તંત્ર અને સરકાર સામે સવાલો વચ્ચે ફફડાટ છે. કચ્છમાં કોરોનાના દર્દીઓનો મરણ આંક તંત્રએ એકાએક ઘટાડીને ૨૪ માંથી ૨૧ કરી નાખતાં તંત્રની પોતાની યાદી સામે જ સવાલો થઈ રહ્યા છે.

એકિટવ કેસમાં સારવાર લઈ રહેલા બીમાર દર્દીઓ સાજા થાય તો બીમાર દર્દીઓની સંખ્યા ઘટે, પણ મરણ થયા પછી મરણનો આંક કઈ રીતે ઘટે? કચ્છમાં કોરોના સામે સરકારી બાબુઓની આવી કામગીરીના કોરોનાની માહિતી સરકારના ઈશારે છુપાવાતી હોવાની શંકા વ્યકત કરાઈ રહી છે. તેમાંયે રાપરના દર્દી પુષ્પએન્દ્ર ઠકકર ૧૪ જુલાઈના કોરોનાના દર્દી તરીકે દાખલ થયા તેમનું ૨૪ જુલાઈએ સારવાર દરમ્યાન ભુજની કોવિડ હોસ્પિટલમાં મોત નીપજયું, મૃતની પુષ્ટિ થઈ પણ, તેમનું મોત કોરોના મૃતકની યાદીમાં નથી.

દરમ્યાન આ અંગે મીડીયાના પ્રશ્નો પછી તંત્ર દ્વારા કોઈ પણ સ્પષ્ટતાઓ ન થતાં ફફડાટ વધી રહ્યો છે.

(11:07 am IST)