Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ભાવનગરની કોલેજમાં વિદ્યાર્થીઓને ભાજપમાં જોડાવા લેખિત નોટિસથી "આપ" આકરા પાણીએ

રાજ્યનાં મંત્રીનાં ઘરની તમામ મહિલાઓને પહેલા પેજ કમિટીના સભ્ય બનાવો : ગોપાલ ઇટાલિયા

ભાવનગરમાં ગાંધી મહિલા કોલેજનાં આચાર્યનો વિચિત્ર આદેશ સામે આવ્યો છે. જેમાં કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભાજપમાં જોડાય તથા વિદ્યાર્થિનીઓ ભાજપની પેજ કમિટીમાં સભ્ય બને તેવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. જેને લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ. જેમાં મિડીયા સાથે વાત કરતાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતુ કે આમ આદમી પાર્ટીની નવી વ્યુહરચનાથી લોકોમાં એક નવો વિશ્વાસ જાગ્યો છે. આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે તેવી આશા જાગી છે. અલગ-અલગ કાર્યક્રમો થકી લોકો સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટી સક્રિય બની છે. આમ આદમી પાર્ટીના આ સફળ કાર્યક્રમથી લોકોના સપોર્ટથી ભાજપ પાર્ટી ડરવા લાગી છે. આ ડરમાં ક્યાંક પોલીસ તો ક્યાંક ગુંડાઓનો ઉપયોગ કરે છે.

ભાવનગરમાં એક કોલેજમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને ભાજપનાં પેજ પ્રમુખ બનવા માટે એક લેખિતમાં નોટીસ આપી આ ગુજરાતનાં ઇતિહાસમાં અત્યંત શરમજનક ઘટના છે. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીને એવી તે શું જરૂર પડી કોલેજમાં ભણતી વિદ્યાર્થીઓને પેજ પ્રમુખ બનવા માટે નોટીસ આપવામાં આવી. આ દુખનો વિષય છે અને મહિલાઓનું અપમાન છે. શું આ વિદ્યાર્થીઓ પેજ કમિટીનાં ચેમ્બર બનવા માટે કોલેજે જાય છે ? શું આ કોલેજ ભાજપનાં કાર્યકરો બનાવવાની ફેક્ટરી છે ? આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ભ્રષ્ટ ભાજપે અને સી.આર.પાટીલે આ મુદ્દે જવાબ આપવો જોઇએ. તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતુ.

વધુમાં જણાવ્યું હતુ કે કોલેજમાં આવતી વિદ્યાર્થીઓને તમે ભાજપમાં પેજ કમિટીમાં મેમ્બર બનવા માટે નોટીસ આપવાની હિંમત કઇ રીતે થાય ? અને જો બહેનોને પેજ કમિટીના સભ્ય બનાવવાનો આટલો જ રસ હોય તો હાલમાં ગુજરાત સરકારમાં જેટલા મંત્રી બેઠા છે સૌથી પહેલા તેમની દિકરીઓને પેજ કમિટીના સભ્ય બનાવવી જોઇએ. મંત્રીનાં ઘરની તમામ મહિલાઓને પહેલા પેજ કમિટીના સભ્ય બનાવી પછી ગુજરાતની બહેનો અને દિકરીઓ જોડે આ માંગણી મૂકવી જોઇએ. આમ આદમી પાર્ટી આ બાબતનો ખૂબ જ વિરોધ કરે છે. ભાવનગરમાં પણ આના વિરોધમાં અમે કાર્યક્રમ કરીશું. આ ઘટના દર્શાવે છે કે ભાજપ એક કમજોર પાર્ટી છે. જો ખરેખર મોટુ સંગઠન હોત તો આવી નિમ્નકક્ષાની નોટિસ ન આપતી હોત . અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી આ મુદ્દે લોકતાંત્રિક રીતે વિરોધ કરશે.

(9:00 pm IST)