Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ચિફ ઓફીસરની આડોડાઇના કારણે વાંકાનેરમાં વિકાસકાર્યો અટકયાઃ જીતુભાઇ સોમાણી

વાંકાનેરમાં નગરપાલીકાની બોડીને ડીસ્‍કવોલીફાઇડ કરવાના ઇરાદે આપવામાં આવેલ નોટીસના વિરોધમાં વાંકાનેરમાં જંગી જન સંમેલનમાં હજારોની મેદની ઉમટી પડી : વરસતા વરસાદમાં પણ હકડેઠઠ મેદનીએ ખુરશીની છત્રી બનાવીઃપલળી ન જવાય તે માટે માથા ઉપર ગાદલા રાખ્‍યાઃ સંમેલન માટે મંજૂરી લીધેલ ટાઉનહોલ પાસેનું ગ્રાઉન્‍ડ છેલ્લી ઘડીએ રદ કરાવી સંમેલન ન યોજાય તેવી ચાલ રમાયેલ - જીતુભાઇ સોમાણીઃ સ્‍થળ તાત્‍કાલીક બદલાવી જડેશ્વર રોડ પર આવેલ કિરણ સિરામીક ગ્રાઉન્‍ડમાં સંમેલન યોજાયુઃ સ્‍થળ બદલાવવા છતાં માનવ મેદની ઉમટી પડીઃ રઘુવંશીભાઇઓ-બહેનોની મોટી ઉપસ્‍થિતી

વાંકાનેરમાં યોજાયેલ સર્વજ્ઞાતી સંમલેનને સંબોધન કરતા પ્રજ્ઞેશભાઇ પટેલ તથા નિર્મીતભાઇ કક્કડ તથા મોરબી મહાજન પ્રમુખ ગિરીશભાઇ ઘેલાણી તેમજ જીતુભાઇ સોમાણી તસ્‍વીરમાં દ્રશ્‍યમાન થાય છે. અન્‍ય તસ્‍વીરમાં વરસતા વરસાદમાં પણ ઉમટી પડેલ જંગી જનમેદની તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૭  :.. વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ કરાવવા તથા વર્તમાન પ્રમુખ જયશ્રીબેન સેજપાલને મળેલ નોટીસના વિરોધમાં આજરોજ જડેશ્વર રોડ પર આવેલ કિરણ સિરામીકના વિશાળ ગ્રાઉન્‍ડ પર જંગી જન સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.
આજના આ સંમેલનમાં શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી જંગી માનવ મેદની ઉમટી પડી હતી અને સંમેલનના પ્રારંભે જ વરસાદ શરૂ થતા નાસભાગને બદલે સંમેલનમાં પધારેલ જીતુભાઇ સોમાણીના સમર્થકોએ ખુરશીની છત્રી બનાવી અને વરસાદમાં પલળી ન જાય તે માટે માથા ઉપર ગાદલા રાખીને સંમેલનને સમર્થકોએ સફળ બનાવેલ છે.
સંમેલનના પ્રારંભે વાંકાનેરના ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઇ પટેલ (ચેમ્‍બર ઓફ કોમર્સ - વાંકાનેર) એ પોતાના પ્રવચનમાં વાંકાનેર નગરપાલીકા પ્રમાણીક અને પારદર્શક પણે ચાલે છે.
અને અમારા ઇન્‍ડસ્‍ટ્રીઝને લગતા પ્રશ્‍નો હોય કે અન્‍ય કોઇ પણ પ્રશ્‍ન હોય જીતુભાઇ સોમાણી હંમેશા અમારી સાથે જ હોય છે.
ત્‍યારબાદ મોરબી પધારેલ નિર્મીતભાઇ કક્કડે તેની જોસીલી ભાષામાં પ્રવચન આપતા જણાવેલ કે, જીતુભાઇ સોમાણી તથા જયશ્રીબેન સેજપાલ ને જ અન્‍યાય શા માટે અત્‍યાર સુધી અમોયે અન્‍ય સહન કરતા આવ્‍યા છીએ હવે પછીના સમયમાં અન્‍યાય સહન કરીશુ નહીં જીતુભાઇ સોમાણીની કારકિર્દી ખતમ કરવા નિકળેલાઓને હવે અમો સાખી નહીં લઇએ.
મોરબીનો રઘુવંશી સમાજ હંમેશા જીતુભાઇ સોમાણીની સાથે છે અને રહેશે તેમ અંતમાં નિર્મીતભાઇ કક્કડે જણાવ્‍યુ હતુ કે આજે પણ જીતુભાઇ આ જન સંમેલનમાં ચારસોથી પણ વધુ રઘુવંશી ભાઇઓ-બહેનો આ સંમેલનમાં હાજર રહ્યા હતા.
ત્‍યારબાદ જીતુભાઇ સોમાણીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે વાંકાનેરના નગરપાલીકાના ચીફ ઓફીસર તેજલબેન જે.મુંઘવા દ્વારા વિકાસના કામો બંધ કરાવવામાં આવેલ છે હાલ નગરપાલિકાના સ્‍ટોરમાં અંદાજે ૫૦૦૦ જેટલી બેગ પડેલ છે.
જે વિકાસના કામો બંધ કરાવવાથી આ સિમેન્‍ટનો જથ્‍થો જો ૯૦ દિવસમાં વપરાશ થઇ જવો જોઇએ નહીંતર તેની સ્‍ટ્રેસ્‍થ ઘટી જાય તો તેનો ઉપયોગ કરી શકાય નહીં.
હાલ ચોમાસાની શરૂઆત થવાની હોવાથી સિમેન્‍ટ બગડી જાય તો નગરપાલીકાને આર્થિક નુકસાની થાશે તો તેના જવાબદાર કોણ રહેશે.
વાંકાનેર નગરપાલીકાના ચીફ ઓફીસર તેજલબેન મુંઘવા ગત તા. ૧૪ /૪/૨૨ થી ૨૬ /૪/૨૨ સુધી કોઇ પણ જાતની જાણ તેમજ પૂર્વ મંજુરી વિના હેડ કવાર્ટર તેમજ કચેરીમાં હાજર રહેલ નથી.
ચીફ ઓફિસરની આડોડાઇના કારણે અમુક પ્રાથમીક સુવિધાથી પ્રજા વંચિત રહેતી હોય છે. તાજેતરમાં જ વોરાવાડ વિસ્‍તારનો પાણીનો વાલ તુટી ગયેલ હોય ત્‍યારે વોરાવાડ વિસ્‍તારના લોકો મુખ્‍ય અધિકારીને રજુઆત કરવા છતાં નવો વાલ ન મંગાવી દેતા અંતે જીતુભાઇ સોમાણીએ પોતાના સ્‍વખર્ચે નવો વાલ મંગાવી પાણી વિતરણ શરૂ કરાવેલ જે વાલનું બીલ પણ જીતુભાઇ સોમાણીના નામનુ મોજુદ છે.
આવા અનેક નાના કામ માટે બે-ત્રણ હજારના ખર્ચાઓ જીતુભાઇ પોતાના ખીસ્‍સામાંથી આપી દેતા હોય છે. તાજેતરમાં જ સફાઇ કામદારોએ અનેક રજુઆત કર્યા પછી પણ સાવરણા કચેરી દ્વારા આપવામાં ન આવતા અંતે સફાઇ કામદારોએ જીતુભાઇ સોમાણીને રજુઆત કરતાની સાથે જ જીતુભાઇ રૂા. ૨૦૦૦ પોતાના ખીસ્‍સામાંથી આપી ૮૦ નંગ સાવરણા નવા મંગાવી સફાઇ કામદારોને આપેલ તેમનુ બીલ પણ જીતુભાઇ સોમાણીના નામનું બીલ તેમની પાસે મોજુદ છે.
વધુમાં જીતુભાઇએ જણાવેલ હતુ કે અમો કોઇ ભ્રષ્‍ટાચાર કરતા નથી અને કરવા દેતા નથી અનુક ભ્રષ્‍ટ્રાચાર કરનાર લોકોએ થોડા સમય પહેલા માધાપર પાસે પાણીના ભાવે જમીન ખરીદી ત્‍યાં બિલ્‍ડીંગો પણ ઉભી કરી દેવામાં આવેલ છે તેના બધા જ પુરાવાઓ પણ જીતુભાઇ સોમાણી પાસે મોજુદ છે. સંમેલન ન યોજાય તેવા પણ પ્રયાસો કરાયા હતા.
અંતમાં જીતુભાઇએ તાલુકાભરમાંથી પચીસેક ગામમાંથી પધારેલ સરપંચો તથા તેમની ટીમનો આભાર માન્‍યો હતો. અને ચાલુ વરસાદે પણ અડગ રહી સંમલેનને સફળતા આપેલ છે.ઉપરાંત રાજકોટથી પધારેલ કનુભાઇ ભગદેવ તથા તેમની સાથે જોડાયેલ રઘુવંશી ભાઇઓ તેમજ મોરબીથી પધારેલ ગીરીશભાઇ ઘેલાણી, નિર્મિતભાઇ કક્કડની ૪૦૦ લોકોની ટીમ તથા ટંકારાથી આવેલ સૌ કોઇ રઘુવંશી ભાઇઓ-બહેનોના ધન્‍યવાદ આપેલ હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનુભાઇ કટારીયાએ કર્યું હતું અને વ્‍યવસ્‍થામાં જીતુભાઇની સમગ્ર ટીમ જોડાઇ હતી.

 

(12:07 pm IST)