Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

દુબઇમાં દંપતિની હત્યા બાદ મૃતદેહોને જામનગર લાવવા કરૂણાસભર સંવેદના પ્રગટી

બન્ને પુત્રીઓને વતનમાં લાવવા માટે દુબઇ પોલીસ, ભારતીય દુતાવાસ, બીએપીએસ હિન્દુ મંદિરના ડાયરેકટર સહિતના એ ખભેખભા મીલાવીને પરિવાર ઉપર આવી પડેલી દુઃખની પળોમાં સાથ આપ્યો

દુબઈમાં વડોદરાના હિરેન અઢીયા અને તેમના પત્નિ વિધીબેન અઢીયાની હત્યા થતા અરેરાટી વ્યાપી ગઈ છે, તેમના મૃતદેહને જામનગર લાવીને અંતિમવિધિ કરવામાં આવી હતી. તસ્વીરમાં મૃતક હિરેનભાઈ અઢીયા અને તેમના પત્નિ વિધીબેન અઢીયા પોતાની પુત્રીઓ સાથે તથા અન્ય તસ્વીરમાં તેમના ચાર ભાઈઓ અને પરિવારજનો સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ર૭ :.. અઢી વર્ષ પહેલાં ગુજરાતનાં વડોદરાથી પોતાના પરિવાર સાથે દૂબઇમાં સ્થાયી થયેલા ઓઇલ - ગેસનાં વેપારમાં સંકળાયેલા અંદાજીત ૪૦ વર્ષીય વેપારી હિરેન અઢીયા અને તેમના પત્ની વિધિ અઢીયાની તેમનાં દુબઇ સ્થિત અરેબિયન રેન્ચ ખાતેનાં વિલામાં તેમની અનુક્રમે ૧૮ અને ૧૩ વર્ષની બે પુત્રીઓ સાથે રહેતા હતાં. એક આરોપી (મુળ પાકિસ્તાની નાગરીકે) પોતાની આર્થિક તંગી નિવારવા ૧૮ મી જૂનની રાત્રીએ હિરેન અઢીયાનાં ઘરનાં વરંડામાંથી પ્રવેશ મેળવીને પ્રથમ હિરેન અઢીયાની અને ત્યારબાદ તેમના પત્નીની નિર્મમ હત્યા કરી નાખી. આ સમયે વચ્ચે પડેલી ૧૮ વર્ષીય પુત્રીની પણ આરોપીએ હત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણી લોહીલુહાણ હાલતમાં આરોપીથી બચવામાં સફળ થઇ હતી. ત્યારબાદ તેણીએ પોલીસને ફોન કરતાં આરોપી ભાગી ગયો હતો. બીજી તરફ પોલીસે ર૪ કલાકની અંદર જ આરોપીને ઝડપી લીધો હતો. અત્યારે આ આરોપી ઉપર ડબલ મર્ડરનો આરોપ લાગ્યો છે અને સ્થાનિક કાયદા અનુસાર તેને મૃત્યુદંડની સજાની જોગવાઇ છે.

ઉપરોકત કાયદાકીય ઘટના બાદ દૂબઇ પોલીસ દ્વારા જે પ્રયાસો થયા છે, તે યુએઇમાં ચાલી રહેલા 'Year  of Tolerance' (સહિષ્ણુ વર્ષ) માં  વિશ્વ માટે પણ ઉદાહરણરૂપ છે. દૂબઇ પોલીસે ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને ભારતીય દૂતાવાસે અઢીયા દંપતી મૂળ ગુજરાતી હોવાનથી બીએપીએસ હિંદુ મંદિરના ડાયરેકટર અશોકભાઇ કોટેચાનો સંપર્ક કર્યો હતો. જેમણે સ્થાનિક દૂબઇ પોલીસ તથા ભારતીય રાજદૂતાવાસ  સહિતની બધી જ કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરવામાં પણ ખડેપગે સેવા આપી. એટલે કે દૂબઇ પોલીસ, ભારતીય દૂતાવાસ અને બીએપીએસ હિંદુ મંદિરના ડાયરેકટર - એમ ત્રણેયે સાથે મળીને મૃતકોને સંતાનો સાથે વતન પહોંચાડયા. સાથે જ દૂબઇ પોલીસે બન્ને દીકરીઓને પણ પોતાના મૃતક માતા-પિતાનાં સ્વપ્નને પૂર્ણ કરવા માટે દૂબઇ તેમનું 'ઘર' છે અને શિક્ષણની તમામ જવાબદારી નિભાવશે તેવી ખાતરી પણ આપી.

આ અંગેની વિસ્તૃત અને સંવેદનાસભર વિગતો આપતાં બીએપીએસ હિંદુ મંદિર - અબુ ધાબીના ડાયરેકટર અશોકભાઇ કોટેચાએ જણાવ્યું કે એક ગુજરાતી વેપારીની પત્ની સાથે હત્યા બાદ મૃતદેહનાં પોસ્ટ મોર્ટમથી માંડીને તેઓ નોન-કોવિડ હોવાના સર્ટીફીકેટ ઇસ્યુ કરીને તેઓના મૃતદેહ સરળતાથી તેમના વતન જઇ શકે તે માટેનો પ્રયાસ દુબઇ પોલીસે કર્યો. બીજી તરફ ભારતીય દૂતાવાસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાત-દિવસ જોયા વગર મદદ કરી. ત્રીજી તરફ દુબઇ પોલીસ વિભાગના મહિલા અધિકારી સતત મૃતકની બન્ને દીકરીઓ સાથે સંપર્કમાં રહ્યાં. જયારે બીએપીએસ હિન્દુ મંદિર દ્વારા ગુજરાતમાં આ મૃતકોના મૃતદેહ બન્ને દીકરીઓ સાથે સુખરૂપ પહોંચી શકે તે માટેની વ્યવસ્થા થઇ. એક તરફ કોરોના મહામારીને પગલે યુએઇથી ભારતની સીધી ફલાઇટ ન હોવાને કારણે અમે મૃતક દંપતિની બંને દીકરીઓ અને વાલી તરીકે મૃતક હીરેનભાઇના મિત્ર અને વેપારમાં પાર્ટનર એવા એક સરદારજી-સમીર બાવાની સાથે ગુજરાત મોકલવા માટેની તજવીજ હાથ ધરી ગો એરની ચાર્ટર ફલાઇટમાં રપ મી જૂને સાંજે મૃતક દંપતિની બન્ને દીકરીઓ અને વાલી તરીકે આ સમીર બાવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં.

તેમણે જણાવ્યું કે મૃતક ગુજરાતી વેપારીની આ બન્ને દીકરીઓ અમદાવાદ આવી તે પૂર્વેનું દૃશ્ય અત્યંત કરૂણાસભર અને માનવતાના દર્શન કરાવનારૃં બની રહ્યું. જે અંતર્ગત રપમી જૂનની કમાન્ડર ઇન ચીફ ઓફ દુબઇ પોલીસ-લેફટનન્ટ જનરલ અબ્દુલ્લાહ ખલિફા એલ-મેરીના માર્ગદર્શનમાં દુબઇ પોલીસે મૃતક અઢીયા દંપતીની બન્ને દીકરીઓને પોતાની ઓફીસે બોલાવીને કહ્યું કે 'દુબઇ આપનું 'ઘર' અને અમે સૌ આપના   પુનઃ આગમન માટે તથા આપને આવકારવા માટે રાહ જોઇશું. અમે આપના સંપૂર્ણ શિક્ષણ ઉપરાંત, આપના માતા-પિતાનાં તમારા માટે જે સ્વપ્ન હશે તેને પુર્ણ કરવાની કાળજી રાખીશું.' આ રીતે યુએઇના શાસક-રૂલર, સરકાર વતી સ્થાનીક પ્રશાસન દ્વારા દાખવવામાં આવેલી આ ઉદારતા અને માનવતાએ એક અદ્વિતીય હૃદયસ્પર્શી પરોપકારી દ્રશ્ય ખડું કર્યુ હતું અને વૈશ્વિક સ્તરને માનવતા-સહિષ્ણુતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૃં પાડયું હતું.

અશોકભાઇ કોટેચાએ જણાવ્યું કે સ્થાનિક પ્રશાસને આ દીકરીઓને ઓફીસ બોલાવીને સંવેદના વ્યકત કરી એટલું જ નહીં, જયારે એરપોર્ટ ખાતે બન્ને દીકરીઓનું ભારત માટે પ્રસ્થાન થયું તે સમયે પણ દૂબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા શ્રીમાન વિપુલજી અને વરિષ્ઠ અધિકારીઓ તથા કમાન્ડર ઇન ચીફ ઓફ દૂબઇ પોલીસ - લેફટનન્ટ જનરલ અબ્દુલ્લાહ ખલિફા અલ-મેરી અને બીએપીએસ હિંદુ મંદિર વતી હું તેમના પ્રસ્થાન સમયે ઉપસ્થિત હતાં. જયારે આ બન્ને દીકરીઓ સાથે મૃતક હીરેન અઢીયાના પાર્ટનર અને મિત્ર તથા એક વયોવૃધ્ધ માતા, પત્ની અને દીકરીના પિતા એવા સમીર બાવા પણ તેમની સાથે ગુજરાત આવ્યા છે. જામનગર ખાતે અઢીયા દંપતીનાં અંતિમવિધી થઇ ગયા બાદ તેઓ  દૂબઇ પરત ફર્યા હતાં.

તમામ વ્યવસ્થા માનવતા પૂર્ણ રીતે કરીને મોતનો મલાજો પણ જળવાયો

રાજકોટ,તા.૨૭: BAPS હિંદુ મંદિરના ડાયરેકટર અશોકભાઇ કોટેચાએ જણાવ્યું કે દુબઇથી મૃતકના કોફિન્સ અને બન્ને દીકરીઓને ભારત-ગુજરાત મોકલવાની વ્યવસ્થા સૌહાર્દ-માનવતાપૂર્ણ રીતે થઇ હતી, પરતુ આ બન્ને દીકરીઓ અને મૃતકનાં કોફિન્સ અમદાવાદમાં ઉતરે ત્યારબાદ બધી જ કાયદાકીય પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય અને મૃત્યુનો મલાજો જળવાય તે રીતે અતિમ સંસ્કાર થાય તે માટેની સઘળી વ્યવસ્થા  BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજય બ્રહ્મવિહારીદાસજી સ્વામીજીની દેખરેખ હેઠળ થઇ. 

સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા પણ સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો. જયારે વડોદરાથી અમદાવાદ એરપોર્ટ આવેલા જૈમિન પટેલ કે જેઓ સ્વ.હિરેન અઢીયાના મિત્ર હતા, તેઓ પણ બન્ને દીકરીઓ સાથે જ રહ્યા હતા. સાથે જ જામનગરમાં આ મૃતક દંપતીનાં વિધિવત્ અંતિમ સંસ્કાર પણ ગુરુવારે બપોરે થઈ ગયા હતા.

કોરોના મહામારીના સમયમાં પણ દુબઇ બીએપીએસ મંદિર દ્વારા સેવાકાર્યોનો ધમધમાટ

રાજકોટ,તા.૨૭ : BAPS  હિંદુ મંદિરનાં ડાયરેકટર અશોકભાઇ કોટચાએ જણાવ્યું ક COVID-19મહામારીને પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં દુબઇમાં વસતા ચાર લાખ ભારતીયો પોતાના દેશમાં જવા માટે તત્પર બન્યા છે. જેમાં, કેટલાંક પોતાની નોકરી ગુમાવેલાં વ્યકિતઓ, કેટલાંક પ્રવાસીઓ તો કેટલાંક વિધાર્થીઓ અને કેટલાંક ગર્ભવતી મહિલાઓ સાથેનાં પરિવાર પણ સામેલ છે. બીજી તરફ BAPSસ્વામિનારાયણ સંસ્થા દ્વારા UAE (યુનાઇટેડ આરબ એમિરેટસ) માં રથાનિક સ્તરે આ મહામારીમાં અન્ય સમુદાય સાથે મળીને થઇ રહ્યાં છે. જે અંતર્ગત ૧૮મી એપ્રિલ, ૨૦૨૦થી ૮૦૦ લોકોને ખાદ્ય સામગ્રીના વિતરણથી માંડીને અનેક પ્રકારની માનવ સહાયનાં કાર્યો થઇ રહ્યાં છે. જયારે પાંચમી મેથી ભારતીય દૂતાવાસ ખાતે  BAPS ૧૫ સ્વયંસેવકો વંદેભારત ફ્લાઇટ્સ સંદર્ભે મદદમાં ખડેપગે સેવા આપી રહ્યાં છે. નોકરી ગુમાવી ચૂકેલા ભારતીયોને આવાસથી માંડીને ભોજનની વ્યવસથા પણ ૮૨૫ દ્વારા થઇ રહી છે. ૧૦૦ જેટલાં જરૂરિયાતમંદોને ભારત આવવાની Air Tickets વ્યવસ્થા પણ BAPS દ્વારા કરાઇ હતી. હજુપણ માનવ સેવાનાં કાર્યો તથા જરૂરિયાતમંદોને મદદ માટે  BAPS સ્વામિનારાયણ સંસ્થા કાર્યરત્ છે.

(3:20 pm IST)