Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ઉનાની ઉમેજ આંગણવાડીના મકાનની જર્જરીત હાલત : ભય નીચે ભણતા ભૂલકાઓ

ઉના તા.૨૭ : તાલુકાના ઉમેજ ગામની આંગણવાડી જર્જરીત મકાનને લીધે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે જાનનું જોખમ ઉઠાવી રહ્યા છે. વાલીઓ હેરાન પરેશાન બન્યા છે. તંત્રને આ સંદર્ભે વારંવાર રજૂઆત કરવા છતા રજૂઆત ધ્યાને લેવાઇ નથી.

ગીર સોમનાથ જિલ્લાના છેવાડાનો તાલુકાની જે વિકાસની હરોળમાં કયાંય પછાત હોઇ તેવી પ્રતીત થાય છે. આ દ્રશ્યો છે ઉના તાલુકાના ઉમેજ જયા છેલ્લા ૪ વર્ષથી ભૂલકાઓ જીવના જોખમે શિક્ષણના પાપા પગલી ભરી રહ્યા છે. ૩ હજારની વસ્તી ધરાવતા ઉમેજ ગામમાં આવેલ આંગણવાડી છેલ્લા ચાર વર્ષથી અતિ જર્જરીત અને જોખમી બની છે.

આ ઇમારત સંપુર્ણ જર્જરીત થઇ છે. આંગણવાડીમાં ૩૦ જેટલા ભૂલકાઓ આંગણવાડી જર્જરીત હોવાને લીધે છેલ્લા ચાર વર્ષથી બહાર લોબીમાં બેસીને શિક્ષણ મેળવે છે. જર્જરીત હાલતમાં કોઇ ક વાર બાળકો જમવા બેઠા હોય તો ઉપરથી પોપડા ખરે છે. સીડીપીઓના જણાવ્યા મુજબ આ ઉમેજ ગામની આંગણવાડી જર્જરીત છે અને અમે ઉપલી કક્ષાએ રજૂઆત કરીઆપી છે. જો કે આંગણવાડી છેલ્લા ચાર વર્ષથી જર્જરીત હોવા છતા ૪ મહિનાથી સીડીપીઓ દ્વારા ઉપલીકક્ષાએ રજૂઆત કરવા છતા આજદિન સુધી આ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે સરકારી બાબુઓએ બીજી કોઇ જગ્યાની વ્યવસ્થા કરી નથી.

(11:46 am IST)