Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

માતાએ ભણવા બાબતે ઠપકો દેતાં સરધારમાં છાત્રા કિરણનો આપઘાત

૧૧મું ભણતી કોળી પરિવારની દિકરીએ સળગીને જીવ દીધો

રાજકોટ તા. ૨૭: સરધારમાં માતાએ ભણવા બાબતે ઠપકો આપતાં ધોરણ-૧૧ની છાત્રાએ સળગીને આપઘાત કરી લેતાં કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ સરધારમાં જીઇબી રોડ પર રહેતી કિરણ પ્રવિણભાઇ અબાસણીયા (ઉ.૧૭) નામની સગીરાએ સાંજે સાતેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં આજીડેમના પીએસઆઇ આર. બી. વાઘેલા અને ભીખુભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કિરણ બે ભાઇ અને બે બહેનમાં બીજી હતી. તેના પિતા પ્રવિણભાઇ મોહનભાઇ ખેત મજૂરી કરે છે. કિરણ સરધારની એસપીએસ સ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી હતી. તેણીએ દસમા ધોરણમાં સિત્તેરથી વધુ ટકા મેળવ્યા હતાં. સાંજે તેણીને માતા રેખાબેને ભણવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. આશાસ્પદ દિકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:39 am IST)