Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ખુંટવડા નજીક ૧૦૮ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતી જેસરની મહિલાએ જોડિયાં બાળકીઓને આપ્યો જન્મ

ચાલુ વર્ષે ૧૨૯ પ્રસુતીઓ કરાવાઇઃ ૨૦૦૭ થી અત્યાર સુધીમાં જિલ્લામાં ૫,૨૯૬ કેસો નોંધાયા

ભાવનગર, તા.૨૭: રાજયમાં વસતાં નાગરિકોના સ્વાસ્થય અને આરોગ્યની સુખાકારી માટે સરકાર સતત સંવેદનશીલ અને ઉતરોતર લોકોનું સ્વાસ્થય સુધરે એ દિશામાં સરકાર દ્વારા નિર્ણયો લેવાઇ રહ્યા છે ત્યારે સરકારના સંવેદનશીલ અભિગમની પ્રતિતી ભાવનગરના જેસર ખાતે રહેતાં અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચાલાવતાં ગરીબ પરિવારને થઇ હતી. આ પરિવાર માટે ગુજરાત સરકાર અને GVK EMRI દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા આશિર્વાદ રૂપ સાબિત થઇ હતી.આ પરિવારની ૨૪ વર્ષિય મહિલા ભાવનાબહેન ડાભીને રવિવારે સાંજે સાત વાગે પ્રસુતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો દ્વારા ૧૦૮ને જાણ કરાઇ હતી. સંદેશો મળતા જ તાત્કાલિક ૧૦૮ માં ફરજ બજાવતા ટી.એમ.ટી ડો. પરેશ ભાલિયા અને પાયલોટ શકિતસિંહ જેસર આવી પહોંચ્યા હતા અને મહિલાને જેસરથી મહુવા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી રહ્યા હતા દરમિયાન જેસર થી ૩૦ કિ.મી દુર ખુટવડા ગામ પાસે પહોચ્યા ત્યારે મહિલાને પ્રસુતાની ભારે પીડા ઉપડતાં ટી.એમ.ટી ડો. પરેશ ભાલિયાએ એમ્બ્યુલન્સ રોડની સાઇડ પર રોકાવી હતી અને પાયલોટ શકિતસિંહની મદદથી પ્રસુતાની ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ ડિલિવરી દરમિયાન પ્રસૂતાએ જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો. પ્રસૂતાને ગર્ભમાં જોડિયા બાળકો હોય ૧૦૮ના સ્ટાફે પ્રસુતી માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પ્રસૂતિ બાદ માતા અને બંન્ને જોડિયા બાળકીઓને તપાસતા બંનેની તબિયત બરાબર જણાતા બાળકીઓ અને માતાને મહુવા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ સમયસર પહોંચી ગયેલી એમ્બ્યુલન્સને પ્રસુતા અને બાળકીઓના જીવ બચાવવામાં સફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ચાલુ વર્ષે માહે જાન્યુ થી મે માસ સુધીમાં આ પ્રકારની એમ્બ્યુલન્સમાંજ અથવા સગર્ભાના દ્યરે પ્રસુતી કરાવાઇ હોય એવા ૧૨૯ કેસ નોંધાયા છે.અને ૨૦૦૭ થી અત્યાર સુધીમાં જિલ્લામા આ પ્રકારની પ્રસુતીના ૫,૨૯૬ કેસો નોંધાયેલા છે.

(11:30 am IST)