Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મીઠાપુરની બંને બજારોમાં પ્રાંત અધિકારી દ્વારા પ્લાસ્ટિક બેગનું સરપ્રાઇઝ ચેકીંગ

મીઠાપુર તા. ર૭ :.. ઓખા મંડળ તાલુકાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે છેલ્લા ઘણા સમયથી ટાટા ટાઉન શીપમાં આવેલી બંને બજારોમાં ટાટા કંપની દ્વારા વેપારીઓને પ્લાસ્ટિક બેગ ન વાપરવા માટે અને પર્યાવરણ ને બચાવવા માટેની ઝૂંબેશ ચાલી રહી હતી. અને ઘણા મોટા ભાગના વેપારીઓ દ્વારા પૂરે પુરો સહયોગ આપી ને પ્લાસ્ટિક બેગ ને બદલે કાપડની કેરી બેગનો ઉપયોગ શરૂ કરી દેવાયો હતો. તેમાં અચાનક જ ગઇકાલે એટલે કે તા. ર૬-૬-ર૦૧૯ ના રોજ દ્વારકાના પ્રાંત અધિકારી શ્રી ડી. વી. વિઠલાણી દ્વારા આ બંને બજારોમાં અચાનક જ આ પ્લાસ્ટિક કેરી બેગનો ઉપયોગ કરતા વેપારીઓને ત્યાં એક સરપ્રાઇઝ ચેકીંગ હથ ધરાયું હતું. આ ચેકીંગમાં સ્થાનીક ટાટાના ટાઉન અધિકારી શ્રી વિજયભાઇ ત્રિવેદી સાથે કંપનીનો સિકયુરીટી સ્ટાફ પણ જોડાયો હતો.

આમ અચાનક જ આ ચેકીંગ આવતા આ કેરી બેગનો ઉપયોગ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ચેકીંગમાં અમુક વેપારીઓ પાસેથી સ્થળ પર જ દંડ વસુલવામાં આવ્યો હતો. તથા અમુક ને છેલ્લી વોર્નિંગ પણ આપવામાં આવી હતી. અને આ ઉપરાંત અમુક વેપારીઓ કે જે વસ્તુઓ પર છાપેલી કિંમત કરતા પણ વધુ ભાવ લેતા હોય તો હવેથી આવું નઇ ચાલે અને ભવિષ્યમાં આવી કોઇ પણ ફરીયાદ આવશે તો કાયદેસરની  કાર્યવાહી હાથ ધરાશે તેવી ચીમકી પણ એસ. ડી. એમ. દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર બાબતે શ્રી વિઠલાણીને પુછતા તેઓએ જણાવેલ કે પ્લાસ્ટિકની કેરી બેગોથી મનુષ્ય ઉપરાંત પશુ-પક્ષીઓને પણ નુકસાન થતું હોય બધા જ વેપારીઓએ પર્યાવરણ ને બચાવવા માટે આ ઝૂંબેશ મો સાથ આપવો જોઇએ.

(11:28 am IST)