Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

બગસરા પાલિકાની ચૂંટણીમાં ભાજપને એક સીટ બિનહરીફ મળી

બગસરા, તા. ર૭ : બગસરામાં આગામી દિવસોમાં ૬ બેઠકોની યોજાનાર ચૂંટણી સંદર્ભે ફોર્મ પરત ખેંચવાની મુદતના દિવસે કોંગેસના એક સદસ્ય દ્વારા ફોર્મ પરત ખેંચી લેવાતા ભાજપને ચૂંટણી પહેલા જ પોતાનું ખાતું ખોલ્યું હતું.

વિગત અનુસાર બગસરા નગરપાલિકામાં છ સદસ્યની ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી યોજાવાની છે જેમાં દરેક બેઠક માટે એક ભાજપ અને કોંગ્રેસ દ્વારા મળી કુલ ૧ર ફોર્મ ભરાયા હતા. ફોર્મ પરત ખેંચવાના દિવસે કોંગ્રેસના વોર્ડ નં. ૬ના મહિલા ઉમેદવાર ફરજાનાબેન બિલખિયાએ માર્કેટીંગ યાર્ડ બગસરાના ચેરમેન કાંતીભાઇ સતાસીયા, શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ નીતેશભાઇ ડોડીઆની હાજરીમાં પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠકના ભાજપના ઉમેદવાર શીલાબેન માંડલીયા બિનહરીફ થઇ ગયા છે જેને પગલે છ બેઠકો પૈકી ભાજપને એક બેઠકનો સીધો ફાયદો મળી ગયો છે.

કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના છે તેવી જાણ થતાં કોંગ્રેસના હોદેદારોને થતા અન્ય પ ઉમેદવારોને પણ ભૂગર્ભમાં ઉતારી દેવાયા હતા. ચૂંટાયેલા ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતરી ગયાના તો અનેક બનાવો બનતા હોય છે, પરંતુ અહીં તો ચૂંટણી પહેલા ઉમેદવારને ભૂગર્ભમાં ઉતરવાની પરિસ્થિતિ કોંગ્રેસ માટે ઉભી થઇ ગઇ હોય માટે કોંગ્રેસે ચેતી જવાની જરૂર છે તેવું માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઇ સતાસીયાએ જણાવ્યું છે. જયારે સામા પક્ષે કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઇ મેરે ભાજપ ઉપર હોર્સ ટ્રેડીંગનો આરોપ મૂકયો હતો.

(9:46 am IST)