Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ગોંડલ પાલિકામાં ગેરરીતિઃ કામોની તપાસ માટે રજુઆત

મ્યુનિસિપલ કમિશ્નરને યતિશભાઇ દેસાઇએ પત્ર પાઠવ્યો

ગોંડલ તા. ૨૭: પાલિકાના સદસ્ય યતિશભાઇ દેસાઇએ પાલિકાના જનરલ બોર્ડની મળનારી મિટીંગમાં એજન્ડા નં.પની ચર્ચા સામે મનાઇ હુકમ આપવા તથા કામોની તપાસ નીમવા બાબત મ્યુ. કમિશ્નરને લેખીતમાં રજુઆત કરતા તેઓએ આપેલ અરજી મુજબ ગોંડલ નગરપાલિકામાં બેફામ વહિવટ અને ભ્રષ્ટાચાર ચલાવવામાં આવે છે. ગુજરાત સરકારની ગ્રાન્ટ તથા સ્વ. ભંડોળની રકમનો વપરાશ સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર અને જનરલ બોર્ડના ઠરાવો કર્યા વગર પ્રમુખની જોહુકમીથી કરોડોના કામો કરાવી લેવામાં આવે છે.

જે કામોમાં બજેટની મંજુરી હોય તેના કરતા વધારે કામો કરવામાં આવે છે. અને તેના બિલો પણ જનરલ બોર્ડની મંજુરી વગર ચુકવવામાં આવે છે. નવા કામો બજેટમાં મંજુર થયેલ ન હોય તેવા કામો પ્રમુખના હુકમથી બિલો ચુકવાઇ જાય છે. અને તેમા જનરલ બોર્ડની મંજુરી પણ લેવામાં આવતી નથી સરકારની ગ્રાંન્ટની મંજુરીથી વધારે રકમ પ્રમુખ સહીથી ચુકવાઇ જાય છે. અને તેની બજેટ સુધારાની તથા ખર્ચની મંજુરી જનરલ બોર્ડમાં લેવામાં આવતી નથી આ બાબતે તેઓ વધુમાં જણાવેલ કે તેઓએ ચીફ ઓફિસર પાસેથી માહિતી માંગતા તેમણે ખર્ચ મંજુર કરવાનો છે. અને બિજી કોઇ માહિતી ન આપતા ફકત ખર્ચરી-એ કરવાની માહિતી આપેલ તેથી આ પ્રમાણેનો નાણાકીય વહિવટ ગેરકાયદેસર છે. અને ગુ.મ્યુ. એકટની જોગવાઇનો ભંગ કરેલ છે.

નગરપાલિકા એ જે માહિતી આપી તે મુજબ મોટાભાગના કામોમાં સરકારમાં ગ્રાંન્ટ માટે દરખાસ્તો થયેલ નથી સ્વભંડોળમાંથી આ રકમો ખર્ચાયતો કર્મચારીના પગાર પણ થઇ શકશે નહી તેવી પરિસ્થિતિ જો ઉભી થાય તે પણ ગેરકાયદેસર છે.

એજન્ડાના તમામ કામો ટેન્ડર પ્રક્રિયા વગર પોતાની મેળે જનરલ બોર્ડની બહાલી ની અપેક્ષાએ કરી લેવામાં આવેલ તે પણ પારદર્શક વહિવટ નથી સદસ્યોની જાણ વગર તથા ટેન્ડર પ્રક્રિયાઓ વગર અને કમીટી ઓ કે જનરલ બોર્ડની મંજુરી વગર કરવામાં આવેલા કામ તેનો ખર્ચ, હિસાબો બજેટની વ્યવસ્થાઓ વગેરે પ્રમુખે જાતે કરેલ છે. જે જનરલ બોર્ડમાં મંજુરીને પાત્ર નથી અને ગુજરાત મ્યુનિ. એકટ તથા નાણાકિય વહિવટના નિયમોની વિરૂધ્ધ હોવાથી આ કામો ગેરકાયદેસર રીતે જનરલ બોર્ડમાં મંજુર ન થાય તે માટે આ એજન્ડા નં.પ ની ચર્ચા ઉપર તથા તે ઠરાવ મંજુર કરવા સામે સ્ટે આપવા તથા ભ્રષ્ટાચારની તપાસ કરવા રજુઆત કરેલ છે. તેમ યતીશભાઇ દેસાઇ એ જણાવેલ છે.

(11:44 am IST)