Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અધુરા મહિને ઓછા વજન અને નબળા ફેફસા સાથે જન્મેલા ત્રણ બાળકોને મળ્યુ નવજીવન

કચ્છની અદાણી દ્વારા સંચાલીત હોસ્પિટલમાં 3 બાળકોને નવજીવન:કુકમાં ગામના લાછીબેનના કૂખે જન્મેલા ત્રણ બાળકોમાં બે પુત્રી અને એક પુત્ર

કચ્છની અદાણી દ્વારા સંચાલીત હોસ્પિટલમાં 3 બાળકોને નવજીવન મળ્યુ છે. અધૂરા મહિને ઓછા વજન અને નબળા ફેફસા સાથે માતાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો જેને એક પડકારરૂપે લઇ ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી અને એક સપ્તાહ સુધી યોગ્ય સારવાર પછી બાળકોને દૂધ લેતા કરીને માતાને સુપ્રત કર્યા છે. અદાણી સંચાલીત જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબ ડો. ઋષિ ઠક્કર એ જણાવ્યુ હતુ કે 32 અઠવાડિયે અધૂરા મહિને જન્મેલા ત્રણ બાળકોનું વજન સામાન્ય કરતાં સરેરાશ 1 કી.ગ્રા. ઓછું હતું. આ સાથે, ફેફસાં અત્યંત અલ્પ વિકસિત હોવાથી પરિસ્થિત વિકટ બની ગઈ હતી.

બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાનીના માર્ગદર્શન હેઠળ ત્રણેય નવજાતને નાના મશીન (સી.પેપ) ઉપર રાખાયા સાથે જરૂર પડી ત્યા શિશુને મોંઘી કિંમતના સર્ફકટન્ટ ઈંજેકશન આપવાનું શરૂ કર્યું. જેની અસર દેખાઇ અને બાળકો સ્વસ્થ બન્યા. કુકમાં ગામના લાછીબેનના કૂખે જન્મેલા આ ત્રણ બાળકો જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. ત્રણેયને સતત 7 દિવસ સુધી સી.પેપ ઉપર રાખ્યા પછી સુધારો જણાતા સાદા ઓક્સિજન ઉપર મૂકી સારવાર આપવાનું શરૂ કર્યું. આ સારવાર કારગર સાબિત થઈ. ત્યારબાદ નળી વાટે દૂધ આપવાનું શરૂ કરાયુ અને છેવટે ચમચીથી શિશુઓએ દૂધ લેવાનું શરૂ કરતાં બાળકો ભયમુકત બન્યા પછી જ માતાને સુપરત કરવામાં આવ્યા.

યોગ્ય સારવારથી બાળકોને જીવતદાન મળતા પરિવારમાં ખુશી ફેલાઇ હતી. કચ્છની અદાણી સંચાલીત હોસ્પિટલ અને ખાસ તો બાળ વિભાગ અગાઉ અયોગ્ય સારવારથી બાળકોના મોત મુદ્દે ચર્ચામાં રહ્યો છે. પરંતુ એજ હોસ્પિટલમાં 3 બાળકોને નવજીવન મળ્યુ છે. આ સારવાર દરમ્યાન ડોક્ટર કરણ પટેલ પણ જોડાયા હતા. એક સાથે 3 બાળકોનો જન્મ થયો હોય તેવી ઘટના તો અનેકવાર અને ઘણી જગ્યાએ બની હશે, પરંતુ આવી સ્થિતીમા જન્મેલા બાળકોના કિસ્સામા સામાન્ય સંજોગોમા 1 બાળકનુ મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જી. કે. જનલોકપાલ હોસ્પિટલના ડોક્ટરોએ સમયસરની સારવાર આપી 3 બાળકોને નવજીવન આપ્યુ હતું.

(8:13 pm IST)