Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજકોટ યાર્ડમાં મગફળી વિભાગમાં મજુરોની હડતાલ : હરરાજી ઠપ્પ

ઇલેકટ્રોનીક કાટાને બદલે વજનકાટાની જુની પધ્ધતી શરૃ કરવાની માંગણી સાથે મજુરોની હડતાલ : ઇલેકટ્રીક કાટામાં ઓછુ કામ થતુ હોવાની મજુરોની ફરીયાદ

રાજકોટ, તા., ૨૭: સૌરાષ્ટ્રના સૌથી મોટા  રાજકોટ (બેડી યાર્ડ)માં મગફળી વિભાગમાં વજનકાટાની જુની પધ્ધતી શરૃ કરવાની માંગણી સાથે મજુરો હડતાલ ઉપર ઉતરી જતા આજે મગફળીની હરરાજી ઠપ્પ થઇ ગઇ હતી.

રાજકોટ યાર્ડમાં મગફળી વિભાગમાં અગાઉ જુની-દેશી પધ્ધતી વજનકાટાથી મગફળીના જથ્થાનું તોલમાપ કરાતું હતું પરંતુ એક મહિના પુર્વે યાર્ડના સંચાલકોએ ઇલેકટ્રીક કાંટાથી તોલમાપ શરૃ કરવાનું નિર્ણય કર્યો હતો. જે તે સમયે મજુરોએ આ પધ્ધતીનો વિરોધ કર્યો હતો પરંતુ ઇલેકટ્રોનીક કાટાથી મગફળીનું વજન શરૃ કરવાનું ચાલુ કરી દીધું હતું. દરમિયાન આજે મગફળી વિભાગના મજુરોએ ઇલેકટ્રોનીક કાટાના બદલે જુના વજન કાટા મુજબ જ મગફળીનું તોલમાપ કરવાની માંગણી સાથે હડતાલ ઉપર ઉતરી જતા મગફળીની હરરાજી ઠપ્પ થઇ ગઇ હતી. મજુરોના કહેવા મુજબ ઇલેકટ્રોનીક કાંટાથી કામ ઓછુ થાય છે અને મજુરી ઓછી મળે છે. જુની પધ્ધતી મુજબ વજનકાંટાથી તોલમાપ શરૃ કરવા અથવા મજુરીના દરમાં વધારા સાથે ઇલેકટ્રોનીક પધ્ધતીથી તોલમાપ યથાવત રાખવા માંગણી કરી હતી.

આ અંગે યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, મગફળી વિભાગના મજુરોની માંગણી અંગે મજુરો સાથે બેઠક કરી વિચારણા કરવામાં આવશે.

(1:51 pm IST)