Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કેશોદના રાધે પેટ્રોલ પંપમાં મોડી રાત્રે બાયો ડીઝલ ફીલીંગનો પર્દાફાશ

લકઝરી બસમાં બાયો ડીઝલ ભરાતુ હતું ને એસઓજીનો કાફલો ખાબકયો : ૨૩૦૨ લીટર બાયોડીઝલ સહિત રૂા. ૧.૪૨ લાખનો મુદ્દામાલ સ્‍થગિત કરાયો

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૭ : કેશોદના રાધે પેટ્રોલ પંપમાં જૂનાગઢ એસઓજીના કાફલાએ બાયોડીઝલ ફીલીંગનો પર્દાફાશ કરી ૨૩૦૨ લીટર બાયો ડીઝલ સહિતનો રૂા. ૧.૪૨ લાખનો મુદ્દામાલ સ્‍થગિત કરતા હલચલ મચી ગઇ હતી.

એસપી રવિ તેજા વાસમ સેટીની સુચનાથી જૂનાગઢ એસઓજીના પીઆઇ એ.એમ.ગોહિલ રાત્રીના એક વાગ્‍યાના સુમારે સ્‍ટાફ સાથે કેશોદ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

ત્‍યારે કેશોદ નજીક જૂનાગઢ રોડ પર આવેલ રાધે પેટ્રોલ પંપ ખાતે જીજે૦૪-એટી-૯૦૭૨ નંબરની ખાનગી લકઝરી બસમાં એલડીઓ (બાયો ડીઝલ)નું ફીલીંગ (ભરાતુ) થતું હોવાની શંકા જતા આ અંગે કેશોદ ડીવાયએસપી જે.બી.ગઢવી અને મામલતદાર તંત્રને પી.આઇ. ગોહિલે જાણ કરી હતી.

આ અંગેની કાર્યવાહી દરમિયાન લકઝરી બસમાં ગેરકાયદે જ્‍વલીન પ્રવાહી બાયો ડીઝલ ભરવામાં આવતું હોવાનું જણાયું હતું.

આથી ડીવાયએસપી ગઢવીના માર્ગદર્શનમાં એસઓજી પી.આઇ.ગોહિલ અને તેમના સ્‍ટાફે રાધે પેટ્રોલ પંપના અન્‍ડર ગ્રાઉન્‍ડ ટાંકાની તલાશી લેતા તેમાંથી રૂા. ૧.૧૨ લાખની કિંમતનું બે હજાર લીટર અને લકઝરી બસની ટાંકીમાંથી રૂા. ૧૬૯૧૨ની કિંમતનું ૩૦૨ લીટર બાયોડીઝલનો જથ્‍થો મળી આવતા સૌ ચોંકી ગયા હતા.

આમ, રાધે પેટ્રોલ પંપમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણનો પર્દાફાશ કરી એસઓજીએ બાયો ડીઝલ સહિત કુલ રૂા. ૧.૪૨ લાખનો મુદ્દામાલ સ્‍થગિત કર્યો હતો.

આ બારામાં પેટ્રોલ પંપના માલિક વંથલીના ગૌતમ લખમણભાઇ કારેથા અને લકઝરી બસના ડ્રાઇવર વિજય મોહનભાઇ જોશી સામે ધોરણસરની કાર્યવાહી કરી કથિત બાયો ડીઝલના નમૂના પૃથ્‍થકરણ માટે મોકલી આપ્‍યા હતા.

આમ એસઓજીએ જ્‍વલનશીલ પર્દાથ વેંચાણનું વધુ એક કારસ્‍તાન પકડી પાડતા ગેરકાયદે બાયો ડીઝલનો વેપલો કરતા અને તેનો ઇંધણ તરીકે ઉપયોગ કરતા વાહન માલિકો - ચાલકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

(2:38 pm IST)