Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કાલે અમિતભાઇ દ્વારકામાં : રવિવારે પોલીસ સ્‍ટેશન ભવનનું ઇ-લોકાર્પણ

કેન્‍દ્રીય ગૃહમંત્રી લાલપુર, કાલાવડ અને જામજોધપુર પોલીસ સ્‍ટેશન ભવન ખુલ્લા મુકશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૨૭ : ભારત સરકારના કેન્‍દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઇ શાહનો આગામી ૨૮ અને ૨૯ તારીખનો ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ યોજાનારો છે, ત્‍યારે આગામી ૨૯મી એ ગુજરાત રાજ્‍ય ભરમાં આધુનિકરણ અને નવીનીકરણ સાથે નિર્માણાધીન પોલીસ સ્‍ટેશન ભવન, એસ.પી. કચેરી ભવન, તથા જુદી જુદી પોલીસ લાઇન (સરકારી પોલીસ આવાસ)ના લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેની સાથે સાથે જામનગર જિલ્લાના નવનિર્મિત લાલપુર, જામજોધપુર, અને કાલાવડ પોલીસ સ્‍ટેશન તથા લાલપુર પોલીસ લાઈન વગેરેનું લોકાર્પણ કેન્‍દ્રીય ગળહમંત્રીશ્રીના હસ્‍તે કરાશે.

 જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા માહિતી આપવામાં આવી હતી, કે કેન્‍દ્રીય ગળહ પ્રધાન અમિત શાહ આગામી તા. ૨૮મી અને ૨૯ તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્‍યારે સૌપ્રથમ તેઓનો ૨૮મી તારીખ નો દેવભૂમિ દ્વારકા નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે, અને સવારે ૧૦ વાગ્‍યા ને ૨૦ મીનીટે સૌપ્રથમ જામનગરના એરપોર્ટ પર વિમાન માર્ગે આવી પહોંચશે, અને ત્‍યાંથી તેઓ ચોપર હેલિકોપ્‍ટર મારફતે દેવભૂમિ દ્વારકા ઉતરાણ કરશે. જ્‍યાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે તથા સ્‍થાનિક કાર્યક્રમમાં હાજરી આપી પરત એકાદ વાગ્‍યા સુધીમાં હેલિકોપ્‍ટર મારફતે ફરીથી જામનગર ના એરપોર્ટ પર પરત ફરશે, અને હવાઈ માર્ગે ગુજરાતના અન્‍ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થશે.

 ત્‍યારબાદ ૨૯મી તારીખે બપોરે ગુજરાત રાજ્‍યમાં નિર્માણાધીન જુદાજુદા પોલીસ ભવન, એસપી કચેરી, તથા અલગ અલગ પોલીસ લાઈન, કે જે હાઉસિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. જે તમામ ભવનોનું એકીસાથે નડીયાદ થી લોકાર્પણ કરવામાં આવશે.

 જે લોકાર્પણના કાર્યક્રમની સાથે સાથે જામનગર જિલ્લાના નવનિર્મિત એવા લાલપુર પોલીસ સ્‍ટેશન ભવન, કાલાવડ તેમજ જામજોધપુર પોલીસ સ્‍ટેશન ઉપરાંત લાલપુરમાં નવા બંધાયેલા ૨૪ આવાસો સાથે ના પોલીસ ના રહેઠાણ ભવન વગેરેનું પણ લોકાર્પણ કેન્‍દ્રીય ગળહમંત્રીશ્રીના હસ્‍તે કરવામાં આવશે.

 જામનગર જિલ્લાના લાલપુરમાં ૨૯મીએ બપોરે ૧૨.૦૦ વાગ્‍યાથી સ્‍થાનિક કાર્યક્રમ યોજાશે. જેમાં ૩,૦૦૦ લોકોને નિમંત્રણ અપાયું છે, અને ગુજરાત રાજ્‍યના મંત્રીશ્રી,અને જામનગર જિલ્લાના પ્રભારી એવા શ્રી બ્રિજેશ મેરજા ની અધ્‍યક્ષતા માં સમગ્ર લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમજ જિલ્લાના અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે

 કાર્યક્રમની જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની રાહબરી હેઠળ સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે, પ્રથમ એક કલાક માટે સ્‍થાનિક લેવલનો કાર્યક્રમ થશે, ત્‍યારબાદ સેટેલાઈટના માધ્‍યમથી નડિયાદ સાથે જોડાણ થઈ જશે, અને કેદ્રિય ગળહ મંત્રીશ્રીના હસ્‍તે તમામ પોલીસ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે.

(1:28 pm IST)