Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જામનગર પાલીકાના કામદારને નોકરીમાં પુનઃ સ્‍થાપિત કરવા હુકમ

જામનગર તા.૨૭: જામનગર મહાનગરપાલીકાના કામદારને પડેલા દિવસોના ૧૦૦ ટકા પગાર સાથે નોકરીમાં પુનઃસ્‍થાપિત કરવાનો હુકમ કર્યો છે.

જામનગર મહનગરપાલીકા, જામનગર ગાર્ડન શાખામાં દાળીયા મજુર તરીકે વારસાઇ નોકરીમાં ફરજ બજાવતા આ કામદાર મહંમદ હુશેનભાઇ મુરીમાને ગેરહાજરી સબબ નોકરીમાથી ગેરકાયદેસર રીતે છૂટા કરતાં કામદારએ મજુર સેવા સંઘ મારફત પડેલા દિવસોના પગાર સાથે નોકરીમાં  પુનઃસ્‍થાપિત થવા મંજુર અદાલત સમક્ષ કેસ કરેલ હતો.

ઉપરોકત કેસમાં જામનગર મહાનગરપાલીકા દ્વારા એવો બચાવ કરવામાં આવેલ કે, ગેરહાજરી સબબ ખાતાકીય તપાસ કરી બચાવની તક આપી નોકરીમાંથી છૂટા કરેલ છે અને તેઓ પુનઃસ્‍થાચિત થવા હક્કદાર થતા નથી.

ઉપરોકત કેસમાં કામદાર તરફે એવી દલીલ કરવામાં આવેલ કે, કામદારને ખાતાકીય તપાસમાં બચાવની તક આપવામાં આવેલ નથી અને કામદારએ આપેલ રજા અંગેના રીપોર્ટ ખાતાકીય તપાસમાં ધ્‍યાનમાં લેવામાં આવેલ નથી. માટે ખાતાકીય તપાસ ગેરકાયદેસર ઠેરવી કામદારને નોકરીમાં પુનઃસ્‍થાપિત કરવા જોઇએ.

ઉપરોકત કેસોમાં બંને પક્ષકારોની દલીલ અને રજુ ઉચ્‍ચ અદાલતોના ચુકાદાઓ ધ્‍યાને લઇ લેબર કોર્ટના ન્‍યાયાધીશ ઓ.એસ.જાડેજાએ કામદારની સામે જામનગર મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવેલ ખાતાકીય તપાસ ગેરકાયદેસરની હોવાનું ઠરાવી કામદારને પડેલા દિવસોના પુરેપુરા પગાર સાથે કામદારને એક માસમાં નોકરીમાં પુનઃસ્‍થાપિત કરવાનો ન્‍યાયી હુકમ ફરમાવેલ છે.ᅠ

ઉપરોકત કેસમાં કામદારના પ્રતિનિધિ  તરીકે શ્રી હમીદ એચ. દેદા તથા શ્રી તાર મામદ એચ.સમા તથા સંદિપ કે. દાવડા રોકાયા હતા.

(1:26 pm IST)