Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

દેરડી (કુંભાજી) ગામે પીજીવીસીએલના લોવોલ્‍ટેજ ધાંધિયા

રોજીંદા લોવોલ્‍ટેજને કારણે ગામમાં અનેક ઈલેકટ્રીક ઉપકરણોને નુકશાન

ગોંડલ,તા.૨૭: ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે પીજીવીસીએલનું તંત્ર ગ્રાહકોને સારી ગુણવત્તાનો વીજપુરવઠો પુરો પાડી શકતું ન હોવાથી ગ્રામજનોને વ્‍યાપક નુકસાન ભોગવવાની ફરજ પડી રહી છે.

દેરડી(કુંભાજી) ગામે ઘણા વર્ષોથી ૬૬ કેવી સબસ્‍ટેશન કાર્યરત હોવા છતા ઘણા સમયથી ગ્રામજનોને યોગ્‍ય નિયમ મુજબનો વીજપુરવઠો પીજીવીસીએલ તંત્ર પુરો પાડી શકતું નથી જેમને કારણે ગામમાં ઘણા વિસ્‍તારોમાં ઘેર ઘેર ઉનાળાની અસહ્ય ગરમી વચ્‍ચે લોવોલ્‍ટેજની રોજીંદી સમસ્‍યા સર્જાઈ રહી છે.ગામમાં સર્જાતા લોવોલ્‍ટેજના કારણે ગ્રામજનોના ટીવી, ફ્રીઝ, એ.સી., પાણીની મોટરો, પંખા જેવા ઈલેક્‍ટ્રીક મોટરો જેવા ઉપકરણોને વ્‍યાપક નુકશાની ભોગવવાનો વારો આવ્‍યો છે.

તો બીજી તરફ ગામના જુદાજુદા વિસ્‍તારોમાં સર્જાતી લોવોલ્‍ટેજની સમસ્‍યાને લઈને ખૂદ પીજીવીસીએલના કર્મચારીઓને સમારકામ વધી જતા દોડધામ મચી જવા પામી છે.ગામમાં વધતી જતી વસ્‍તી અને વધતા જતા પાવર વપરાશ વચ્‍ચે ગામમાં વારંવાર સર્જાતા વીજફોલ્‍ટ અંગે વડી કચેરીના ઉચ્‍ચ અધિકારીઓને  ગ્રામજનો દ્વારા અનેક વખત ટેલિફોનીક રજુઆતો કરવામાં આવતી હોવા છતા અધિકારીઓ ગ્રામજનોની યોગ્‍ય રજુઆતોને ઘોળીને પી જઈને ગાંધીજીના ત્રણ બંદરોની ભૂમિકા ભજવી રહ્યા છે.જેમને કારણે ‘પાડા વાંકે પખાલીને ડામ' કહેવત મુજબ નુકસાની ગ્રામજનો ભોગવી રહ્યા છે.

પીજીવીસીએલ દ્વારા વીજચોરીના કાયદા હેઠળ ગ્રાહકો સામે કાયદાકીય કડક કાર્યવાહી તો તંત્ર વારંવાર કરી રહ્યું છે. પરંતું ગ્રાહકોને પણ જરૂરીયાત મુજબ યોગ્‍ય વીજપુરવઠો ફાળવવો એટલો જ જરૂરી છે. ત્‍યારે ગ્રામજનોને પીજીવીસીએલના પાપે ભોગવવી પડતી નુકશાની અંગે શું પીજીવીસીએલ તંત્ર પોતાના ગ્રાહકોને વળતર ચૂકવશે કે પછી તંત્રના જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરશે તેવા સવાલો પણ ગ્રામજનોમાં ઉઠવા પામ્‍યા છે.

(2:37 pm IST)