Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કચ્‍છના મુન્‍દ્રા પોર્ટમાં દાણચોરી ઉપર ડીઆરઆઇનો દરોડોઃ ૫૦૦ કરોડનું કોકેઇન અને ૭ કરોડનું લાલ ચંદન જપ્‍ત

મુન્‍દ્રા, કંડલા બંદર ઉપરાંત જખૌ, ઓખા વચ્‍ચેનો દરિયો દાણચોરોનું લેન્‍ડિંગ પોઇન્‍ટ : એનઆઇએ, ડીઆરઆઇ, નાર્કોટિકસ, કસ્‍ટમ, ઇડી સાથે અન્‍ય સુરક્ષા એજન્‍સીઓનું સંકલન અને સંયુક્‍ત તપાસ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : કેન્‍દ્ર સરકાર દ્વારા દરિયાઈ વ્‍યાપાર વધારવા માટે આયાત નિકાસની અપાતી છૂટછાટનો વ્‍હાઈટ કોલર દાણચોરો દ્વારા દાણચોરી માટે થતો ઉપયોગ અટકાવવા કડક પગલાં ભરવાની જરૂરત છે. સતત બે દિવસના ધમધમાટ સાથે ડીઆરઆઈ એ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ ઉપરથી ૫૦૦ કરોડનું કોકેઇન અને ૭ કરોડનું લાલ ચંદન ઝડપી પાડ્‍યું છે.

ડીઆરઆઈની સત્તાવાર માહિતીમાં જણાવાયા મુજબ ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્‍દ્રા પોર્ટ ઉપર આવેલ મીઠાના કન્‍ટેનર માં ડ્રગ્‍સ હોવાની બાતમીના આધારે તપાસ કરાઈ હતી. ખાનગી કન્‍ટેનર સ્‍ટેશનમાં રખાયેલા આ આયાતી માલમાં ૧૦૦૦ જેટલી મીઠાની બેગ તપાસ કરાયા બાદ તેમાંથી ૫૨ કિલો જેટલો શંકાસ્‍પદ જથ્‍થો અલગ તારવી તેને રાજયની ફોરેન્‍સિક લેબમાં મોકલી તપાસ કરાઈ હતી. જેમાં આ પાઉડર કોકેઇન હોવાની અને તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. ૫૦૦ કરોડ હોવાનું જણાવાયું છે. ડીઆરઆઈએ આ માલ આયાત કરનાર પેઢીની તપાસ શરૂ કરી છે.

બીજા દરોડામાં મુન્‍દ્રા પોર્ટ ઉપર ખાનગી કન્‍ટેનર સ્‍ટેશન એમઆઈસીટી માંથી દુબઈ મોકલાઈ રહેલ કન્‍ટેનર ચેક કરાતા તેમાંથી પ્રતિબંધિત લાલ ચંદન નીકળી પડ્‍યું હતું. લગભગ ૭ કરોડની કિંમતનું ૧૪ ટન લાલ ચંદન જપ્ત કરી ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા જીએસટી, વે બીલ ઉપરાંત બેંકમાં પૈસાની લેવડ દેવડ માટે ઘણા નવા કાયદાઓ બનાવાયા હોવા છતાંયે વ્‍હાઈટ કોલર દાણચોરો સરકારની આંખમાં ધૂળ નાખે છે. દાણચોરી દ્વારા દેશની તિજોરીને નુકસાન પહોંચાડી વતન સાથે ગદ્દારી કરતાં વ્‍હાઈટ કોલર દાણચોરો સામે સરકાર એજન્‍સીઓ નું સંકલન સાધી તેમના આર્થિક બેંક વ્‍યવહારો સીલ કરે, કડક કલમો લગાડે અને આવી પેઢીઓ સાથે સંકળાયેલ શિપિંગ એજન્‍સીઓ સામે પણ કડક કલમો તળે કામ લે તે જરૂરી છે. અત્‍યારે જે રીતે ડ્રગ્‍સ ઝડપાઈ રહ્યું છે તે જોતાં મુન્‍દ્રા અને કંડલા પોર્ટ ની સાથે જખૌ, ઓખા વચ્‍ચેનો દરિયો ડ્રગ્‍સ માફીયાઓ માટે લેન્‍ડિંગ પોઇન્‍ટ બની ગયો છે.

(10:34 am IST)