Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સુરેન્દ્રનગરમાં કાયમી કલેક્ટરની નિમણૂંક કરવા જાગૃત નાગરિકોની માંગ:ઉગ્ર આંદોલનની ચીમકી

ઇન્ચાર્જ કલેકટર યોગ્ય રીતે રજૂઆતો ન સાંભળતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર શહેરના જાગૃત નાગરિકોએ જીલ્લામાં નિયમિત કલેકટરની નિમણુંક કરવા ઇન્ચાર્જ કલેક્ટર કે.સી. સંપટને લેખિત રજૂઆત કરી હતી છેલ્લા ૦૪ મહિનાથી નિયમિત કલેકટરની બદલી બાદ જીલ્લામાં ઇન્ચાર્જ કલેકટર તરીકે જવાબદારી સોંપતા હાલાકી ઉભી થવા પામી છે. ઇન્ચાર્જ કલેકટર હોવાથી અનેક અરજદારો, ખેડૂતો સહિત નાગરિકોને પોતાના કામો માટે હાલાકી તેમજ કામો અટવાઈ પડતા હોવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે.

ઇન્ચાર્જ કલેકટર યોગ્ય રીતે રજૂઆતો ન સાંભળતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આગામી ૧૦ દિવસમાં જીલ્લામાં નિયમિત કલેકટરની નિમણૂક કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન તેમજ સુરેન્દ્રનગર બંધના એલાનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જાગૃત નાગરિકો, સિનિયર સિટીઝન, સામાજિક સંસ્થાના આગેવાનો, વકીલો અને પ્રબુદ્ધ નાગરિકો પણ આ રજૂઆત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

(9:35 pm IST)