Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મોદીની સભા માટે ૧૪૦૦×૬૦૦ ફુટનો સમિયાણો : ૮૦×૪૦નું સ્‍ટેજ

તમામ પ્રેક્ષકો માટે ખુરશીની વ્‍યવસ્‍થા : ૪૦ એલ.ઇ.ડી. સ્‍ક્રીન : ૪ મોટા મંડપ કોન્‍ટ્રાકટરો દ્વારા કામગીરી

રાજકોટ તા. ૨૬ : જસદણ તાલુકાના આટકોટમાં પરવાડિયા હોસ્‍પિટલના ઉદ્‌ઘાટન નિમિતે વડાપ્રધાન શનિવારે આવી રહ્યા છે. તેઓ ૯.૪૦ વાગ્‍યે આટકોટ હેલિપેડ પર ઉતરાણ કર્યા બાદ હોસ્‍પિટલની મુલાકાત લેશે. આ મુલાકાત બાદ હોસ્‍પિટલની સામેના ખેતરોમાં તૈયાર કરવામાં આવેલ વિશાળ સમીયાણામાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સભા સંબોધશે. આટકોટમાં તેમની આટલી વિશાળ સભા પ્રથમ વખત થઇ રહી છે. આયોજક અગ્રણી ડો. ભરત બોઘરાએ સભામાં ત્રણ લાખ લોકો ઉમટી પડશે તેવો આશાવાદ વ્‍યકત કરી તેને અનુરૂપ વ્‍યવસ્‍થા કરવામાં આવ્‍યાનું જણાવ્‍યું હતું.

શ્રી મોદીની સભા માટે ૬૦૦ ફૂટ પહોળાઇ અને ૧૪૦૦ ફુટ લંબાઇનો ડોમ તૈયાર કરવામાં આવ્‍યો છે. આ ડોમની બંને બાજુએ વધારાના બે-બે ડોમ બનાવાય રહ્યા છે. શ્રી મોદી જ્‍યાં બેસવાના છે તે સ્‍ટેજની પહોળાઇ ૪૦ ફૂટ અને લંબાઇ ૮૦ ફૂટ છે. સ્‍ટેજની ઉંચાઇ ૮ ફૂટની રહેશે. મુખ્‍ય સ્‍ટેજની બંને બાજુએ વીવીઆઇપી, વીઆઇપી, સાધુ-સંતો, ટ્રસ્‍ટીઓ વગેરે માટે અલગ - અલગ સ્‍ટેજ રહેશે. રાજકોટના ગણેશ મંડપ, પરમાર કિશોર મંડપ, ઉમિયા મંડપ તેમજ મધુભાઇના મંડપ સર્વિસને કામ આપવામાં આવ્‍યું છે. છેલ્લા કેટલાય દિવસોથી મંડપ સર્વિસના કારીગરો રાત-દિવસ કામ કરી રહ્યા છે. ગરમીને અનુલક્ષીને શ્રોતાઓ ઉપર પાણીનો સ્‍પ્રે થતો રહેશે. તમામ શ્રોતાઓ માટે ખુરશીની વ્‍યવસ્‍થા છે.

મંચ પર વડાપ્રધાન નરેન્‍દ્રભાઇની સાથે કેટલાક લોકોને બેસાડવામાં આવશે. જેમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા વગેરેનો સમાવેશ થાય છે. મંચ પરના મહેમાનોના નામ દિલ્‍હીની સુચના મુજબ નક્કી થશે. ૧૫૦૦ જેટલી બસોમાં ગામેગામથી લોકો આવશે. ઉપરાંત અન્‍ય નાના મોટા વાહનોની હારમાળા સર્જાશે. આસપાસના ખેતરોમાં ૧૩ જગ્‍યાએ પાર્કિંગ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. પ્રસંગને અનુલક્ષીને ખેડૂતોએ પોતાના ખેતરો સેવા ભાવનાથી વાપરવા આપ્‍યા છે.

તડામાર તૈયારી, મહેનત સહીયારી

આટકોટની પરવાડિયા હોસ્‍પિટલની ગેલેરીમાંથી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ હોસ્‍પિટલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી-પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરત બોઘરાએ વડાપ્રધાનની સભાના નિર્માણાધીન સમિયાણાને નિહાળેલ તે પ્રસંગની તસ્‍વીર. ડો. બોઘરાએ શ્રી કિરીટભાઇને નકશા સાથે ફીલ્‍ડવર્ક અને પેપરવર્કની માહિતી આપી હતી. શનિવારે વહેલી સવારથી સમીયાણામાં માનવ મેદનીનો પ્રચંડ પ્રવાહ શરૂ થશે તેવી આયોજકોને તૈયારી સાથે આશા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:41 am IST)