Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મોટા પીરના સાગરકાંઠે BSFને ચરસનું રેઢું પેકેટ મળ્યું: સપ્તાહ અગાઉ 16 પેકેટ મળેલા

શેખરણપીર ટાપુ નજીક 24 લાખના ચરસના જે 16 પેકેટ મળેલાં તે જ જથ્થા પૈકીનું પેકેટ મળ્યું

ભુજઃ પશ્ચિમી કચ્છના સાગરકાંઠે રેંઢુ પડેલું ચરસનું વધુ એક પેકેટ મળી આવ્યું છે. BSFની 172મી બટાલિયનના કમાન્ડન્ટ સંજય શર્માએ જણાવ્યું કે, તેમની ટીમ સાંઘી જેટીની સામે આવેલા મોટા પીર ટાપુ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે કાંઠા પર બીનવારસી હાલતમાં પડેલું આ પેકેટ મળ્યું હતું. પેકેટ વાયોર પોલીસને સુપ્રત કરી દેવાયું છે. જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે, અગાઉ શેખરણપીર ટાપુ નજીક 24 લાખની કિંમતના ચરસના જે 16 પેકેટ મળેલાં તે જ જથ્થા પૈકીનું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગત 20મી મેનાં રોજ શેખરણપીર પાસેથી પોલીસે સમુદ્રમાં તણાઈને કાંઠે આવેલાં ચરસના 16 પેકેટ કબ્જે કર્યાં હતા. આ પેકેટ કોણે ફેંક્યા હશે તેનો તાગ મેળવવો અતિ મુશ્કેલ છે. કારણ કે નજીકમાં આંતરરાષ્ટ્રીય જળસીમા છે. ઉલ્લેખનીય છે કે, કચ્છનો સાગરકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે થોડાંક વર્ષોથી ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. ભૂતકાળમાં અહીંથી કરોડોની કિંમતના માદક દ્રવ્યોનો જથ્થો ઝડપાઈ ચૂકેલો છે.

(9:59 pm IST)