Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ગોંડલ બંધના એલાનમાં દહેશત ફેલાવવાનું કાવત્રુઃ નીખીલ દોંગાની ઓફિસમાંથી અગિયાર શખ્સો હથિયાર સાથે પકડાયા

છરી, ગુપ્તી, પાઈપ અને લાકડી સહિત ૨૦ હથિયાર કબ્જેઃ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નીખીલ દોંગા સહિત બે શખ્સોની શોધખોળ

રાજકોટ, તા. ૨૭ :. ગોંડલ બંધના એલાન અંતર્ગત ગોંડલ પોલીસે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નીખીલ દોંગાની ઓફિસમાં છાપો મારી ૧૧ શખ્સોને અલગ અલગ હથીયારો સાથે ઝડપી લીધા હતા અને બંધના એલાનમાં દહેશત ફેલાવવાના કાવત્રા સબબ ગોંડલ પોલીસે નીખીલ દોંગા સહિત ૧૩ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં ગૌસેવકો સામે થયેલ પોલીસ ફરીયાદના વિરોધમાં હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાએ ગઈકાલે ગોંડલ બંધનું એલાન આપ્યુ હતુ. બંધના આ એલાનમાં જેતપુર મર્ડર કેસના આરોપી અને હાલમાં પેરેલ પર રહેલ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નીખીલ દોંગાએ વેપારી વર્ગમાં દહેશત ફેલાવવા તથા કોમી વૈમનષ્ય ફેલાવવા પૂર્વયોજીત કાવત્રુ રચ્યુ હોવાની અને તેની ઓફિસમાં અનેક શખ્સો હથીયાર સાથે ભેગા થયા હોવાની બાતમી મળતા ગોંડલ પોલીસે નીખીલ દોંગાની ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલ ઓફિસમાં છાપો મારી (૧) હીરેન સવજી ઠુંમર રહે. ગુંદાળા રોડ, પટેલ ગોલાવાળા શેરી, (૨) ભાવિક ચંદુભાઈ ખુંટ રહે. કુંભારવાળા શેરી નં. ૨૬/૧૫, (૩) નવનીત રમેશભાઈ જેઠવા રહે. ઘોઘાવદર બસ સ્ટેશન પાસે, (૪) સુનિલ ભીખાભાઈ પરમાર રહે. મોટા માંડવા, (૫) શ્યામલ બીપીનભાઈ દોંગા રહે. દેરડીકુંભાજી, (૬) જીત ડાયાભાઈ મેઘાણી રહે. કોઠારીયા સોલવન્ટ રોડ રાજકોટ (૭) આશિષ કાનજીભાઈ ગોંડલીયા રહે. વોરાકોટડા રોડ, ગોંડલ (૮) હાર્દિક માધવલાલ પટેલ રહે. ભરુડી, (૯) અશ્વિન પોપટભાઈ સોરઠીયા રહે. ગોવર્ધન સોસાયટી રાજકોટ (૧૦) ભરત મોહનભાઈ ઠુંમર રહે. ભોજરાજપરા ગોંડલ તથા (૧૧) વિશાલ આત્મારામ પાટકર રહે. ત્રણ ખુણીયા ગોંડલને અલગ અલગ ૨૦ હથીયારો છરી, ગુપ્તી, પાઈપ અને લાકડી સાથે પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નીખીલ દોંગા તથા ઓફિસવાળા મકાનના માલિકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ગોંડલ પોલીસે ઉકત ૧૩ શખ્સો સામે બંધના એલાનમાં દહેશત ફેલાવવા અંગેનું પૂર્વયોજીત કાવત્રુ રચ્યાનો,  લોકડાઉનના જાહેેરનામા ભંગનો ગુન્હો તેમજ બંધના એલાનમાં એકથી વધુ શખ્સો ભેગા થઈ પ્રાણઘાતક હથીયારો સાથે મળી આવ્યા સબબનો આઈપીસી ૨૬૯, ૧૮૮, ૧૪૩, ૧૪૯, ૧૫૩ (ખ), ૧૨૦-બી તથા એપેડેમીક ડીસીઝ એકટની કલમ ૩ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)