Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

નાણાંકીય મુશ્કેલી વચ્ચે ધંધાર્થીઓની વ્હારે ભુજ મર્કેન્ટાઇલ બેંકઃ આવતા સપ્તાહથી આત્મનિર્ભર લોન આપવાનું શરૂ

૭૦૦ ફોર્મનું વિતરણ, સભાસદ ન હોય તેમને પણ લોન મળી શકેઃ કોઈ પણ લોન બાકી ન હોય અને રિપેમેન્ટ કરવાની ક્ષમતાની ચકાસણીને આધારે માત્ર ૨% ના વ્યાજ દરે લોન

ભુજ,તા.૨૭: રાજય સરકાર દ્વારા કોવિડ ૧૯ ની મહામારી અને લોકડાઉનના કારણે નાના અને મધ્યમ પ્રકારના વિવિધ વ્યવસાય કરતા ધંધાર્થીઓ માટે આત્મનિર્ભર લોન યોજના જાહેર કરાયા બાદ ભુજ મર્કેન્ટાઇલ બેંક દ્વારા આ યોજના સંદર્ભે કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

ભુજમાં બેંકની શાખા બહાર લોનના ફોર્મ મેળવવા લોકોની લાઈનો વચ્ચે ભુજ મરકેન્ટાઇલ બેંક દ્વારા આ લોન યોજના સંદર્ભે કામગીરી અંગે મીડીયાને જાણકારી અપાઈ હતી. બેંકની ભુજ, માધાપર, અંજાર, ગાંધીધામ, નખત્રાણા અને અમદાવાદમાં અત્યાર સુધીમાં ૭૦૦ ફોર્મ વિતરિત થયા હોવાનું અને હજીયે ફોર્મનું વિતરણ શરૂ હોવાનું જનરલ મેનેજર કશ્યપ વચ્છરાજાનીએ જણાવ્યું હતું.

બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે, નાણાકીય કટોકટીના વર્તમાન સમયમાં રાજય સરકારની ઈચ્છા અનુસાર સવેળાએ આ કામગીરી શરૂ થાય એ પ્રમાણે અમે જુનના પ્રથમ અઠવાડિયાથી લોન આપવાનું શરૂ કરી દઈશું. લોન મેળવવા માંગતા ધંધાર્થીઓ માટે જનરલ મેનેજર સ્મિત મોરબીયાએ પ્રશ્નોતરી સાથેની માહિતી તૈયાર કરી છે, જેમાં લોન જે સંદર્ભે સ્પષ્ટતાઓ કરાઈ છે.

તે અનુસાર ૧/૧/૨૦ ના હયાત ધંધો ધરાવનાર આ એક લાખ રૂ.ની લોન મેળવી શકશે. સહકારી બેંકના શેર ન હોય તેઓ પણ લોન મેળવી શકશે. પરંતુ બેંક દ્વારા લોન લેનાર અંગે જે ચકાસણી કરાશે તેમાં અરજદાર ધંધાર્થીની કોઈ લોન બાકી ન હોવી જોઈએ. ધંધાને લગતા તમામ સરકારી આધાર પુરાવાઓ, અન્ય બેંક ખાતાની નકલ, છેલ્લા મહિનાનું સ્ટેટમેન્ટ, બે જામીન આપવાના રહેશે.

બેંક રિઝર્વ બેંકના નિયમ અનુસાર અને અરજદારની બેંક લોન પરત કરવાની રિપેમેન્ટ કરવાની કેપેસેટીના આધારે લોન મંજૂર કરવી કે નહીં તે અંગે બેંક નિર્ણય લઈ શકશે. બેંક દ્વારા એક મહત્વની બાબતનો ખુલાસો કરાયો છે તે અનુસાર આ લોન બેંકના જ ભંડોળ માંથી આપવાની છે. સરકાર લોન અંગે બેંકોને કોઈ ફંડ કે રિપેમેન્ટ આપવાની નથી. ધંધાર્થીઓને ૮%વ્યાજમાં સરકાર ૬% સહાય આપશે. એટલે લોનની રકમ ઉપર માત્ર ૨% જ વ્યાજ લાગશે. ૬ મહિના પછી હપ્તા શરૂ થશે. પણ,એ વચ્ચે વ્યાજ દર મહિને ભરવું પડશે. જયારે પૂરું રિપેમેન્ટ માસિક ૩૦ હપ્તામાં વ્યાજ સાથે પરત કરવાનું રહેશે.

જોકે, અરજદારને રૂ. ૫ હજારથી કરીને રૂ. એક લાખની રકમ પૈકી કેટલા રૂપિયાની લોન મંજૂર કરવી કે લોન ના મંજૂર કરવી એ વિશે બેંક નિર્ણય કરી શકશે. બેંક સામાજિક જવાબદારી નિભાવી રહી હોવાનો દાવો કરતા ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે, લોન અંગેની માહિતી માટે મોબાઈલ નંબર ૭૦૪૩૨૧૬૬૮૨ શરૂ કરાયો હોવાની જાણકારી આપી હતી.

(10:47 am IST)