Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

દામનગરમાં ભાઇએ પૈસા માટે બનેવીને છરી ભોંકી, આઘાતમાં બહેનનો ઝેર પી આપઘાત

વિભાભાઇ દેવીપૂજક (ઉ.૩૦) પાસે સાળા ઉકા અને સસરા નાનુભાઇએ ઉછીના પૈસા માંગતા ના પાડતાં તેને છરી ઝીંકાઇઃ એ જોઇ પત્નિ શોભા (ઉ.૨૯)એ આપઘાત કર્યોઃ ત્રણ સંતાન મા વિહોણાઃ ઘાયલ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૭: શિહોરના ટોણા ગામે રહેતાં દેવીપૂજક યુવાને લાઠીના દામનગરમાં આવી પોતાના બનેવી પાસે ઉછીના પેસા માંગતા બનેવીએ ના પાડતાં તેણે તેને છરી ભોંકી દીધી હતી. પતિ પર હુમલો થતાં આઘાતમાં હુમલાખોરની બહેન ઝેર પી જતાં તેનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. સાળાના હુમલામાં ઘાયલ બનેવીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ દામનગરમાં રહેતાં વિભાભાઇ ભોલાભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.૩૦)ને તે ઘરે હતો ત્યારે ટોણા ગામેથી આવેલા તેના સાળા ઉકા અને સસરા નાનુભાઇ વાઘેલાએ ઉછીના એક લાખ રૂપિયા માંગતાં વિભાભાઇએ હાલમાં આટલી રકમ હાથવગી ન હોઇ ના પાડતાં ઝઘડો થતાં સાળા ઉકાએ તેને પેટમાં છરી ભોંકી દેતાં ગંભીર ઇજા થઇ હતી.

પતિ વિભા પર પોતાના જ ભાઇએ છરીથી હુમલો કરતાં શોભા પરમાર (ઉ.૨૯)ને આઘાત લાગ્યો હતો અને તે ઝેરી દવા પી ગઇ હતી. બંનેને પરિવારજનોએ સારવાર માટે દામનગર, અમરેલી ખસેડ્યા હતાં. પરંતુ શોભાનું રસ્તામાં જ મોત નિપજતાં ગારીયાધાર હોસ્પિટલમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વિભાભાઇને પેટમાં ગંભીર ઇજા પહોંચી હોઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો  છે.

વિભાભાઇ ગાડી ઉતારવાની છુટક મજૂરી કરે છે. તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. શોભાના મોતથી આ ત્રણેય માસુમ મા વિહોણા થઇ ગયા છે.

બનાવ અંગે દામનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દેવીપૂજક પરિવારમાં આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ છે.

(10:26 am IST)