Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મોરબીમાં ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘનઃ ૧૬ હોસ્પિટલોને નોટીસ

મોરબી, તા.૨૭: સુરતની ગોઝારી ઘટના બાદ સફાળું જાગીને તંત્ર દ્વારા ખાનગી ટ્યુશન કલાસીસમાં ચેકિંગ કરીને શનિવારે ૫૬ આસામીઓને નોટીસો ફટકારવાની કાર્યવાહી બાદ  રવિવારે પાલિકાની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં પણ લોલમલોલ જેવી સ્થિતિ જોવા મળતા ૧૬ હોસ્પિટલને નોટીસો ફટકારવામાં આવી છે  મોરબી નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા રવિવારે સવારથી શહેરની ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ શરુ કરવામાં આવ્યું હતું શહેરના સરદાર રોડ અને સાવસર પ્લોટમાં આવેલી વિવિધ ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધાઓ છે કે કેમ તેનું ચેકિંગ કરવા પહોંચેલી ટીમ ચોકી હતી કારણકે ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોય જેથી ટીમ દ્વારા ૧૬ હોસ્પિટલને નોટીસો ફટકારી દેવામાં આવી છે શહેરમાં ગઈકાલે ખાનગી કલાસીસ સહિતના સ્થળોએ એકપણ સ્થળે નિયમો મુજબ કાઈ જોવા મળ્યું ના હતું તો આજે ખાનગી હોસ્પિટલમાં પણ તેવો જ સિનારિયો જોવા મળ્યો હતો જેથી પાલિકાની ટીમે તમામ ૧૬ હોસ્પિટલમાં ચેકિંગ બાદ નોટીસો ફટકારી છે અને ફાયર સેફ્ટીના એનઓસી લેવા તાકીદ કરવામાં આવી છે.

મોરબીના સાવસર પ્લોટમાં આવેલી પેથાપરા હોસ્પિટલ, રાધેક્રિષ્ના હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, આશીર્વાદ હોસ્પિટલ, શ્યામ હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ, વરદાન હોસ્પિટલ, મયાન હોસ્પિટલ, અમૃતમ હોસ્પિટલ સહિતની ૧૬ હોસ્પિટલને નોટીસો ફટકારવામાં આવી છે.

(1:27 pm IST)