Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સાવરકુંડલામાં મંદ દ્રષ્ટિવાળી પત્નીને તરછોડીને પતિ માવતરે મૂકી ગયો

લગ્ન બાદ ઘરમાં નહોતો આતો ધ્યાનઃ ૧૮૧ ની ટીમ દ્વારા મધ્યસ્થી : પિતાએ દેવું કરીને યુવતીનું આંખનું ઓપરેશન કરાવ્યું

અમરેલી તા. ર૭ :.. સાવરકુંડલામાં મંદ દ્રષ્ટિ ધરાવતી મહિલાને તેના પતિએ ભરણ પોષણ કરવાના બદલે તરછોડી દઇ પિતાના ઘરે મુકી ગયો હતો અને લગ્ન કર્યા બાદ સંતાન થવા છતાં વર્ષોથી ઘર ચલાવવામાં કોઇ ધ્યાન આપતો નહોતો. જેથી અમરેલી અભયમની ટીમ દ્વારા મધ્યસ્થી કરીને તેને એક પિતા તથા પતિ તરીકેની ફરજો સમજાવવામાં આવી હતી.

લગ્ન પછી એક પતિ અને બાદમાં પિતા તરીકે વ્યકિતની જવાબદારીઓ અનેક ગણી વધી જાય છે પણ અમુક લોકો આ જવાબદારીઓનું વહન કરી શકતો નથી કે પછી પીછેહઠ કરે છે. આવા જ એક કેસમાં સાવરકુંડલામાં રહેતી એક ર૮ વર્ષીય મહિલાના લગ્ન આજથી ૬ વર્ષ પહેલા થયા હતા અને તેનો પતિ મજૂરી તથા રીક્ષા ચલાવવાનું કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર પણ છે અને શાળામાં અભ્યાસ માટે બેસાડી શકાય તેટલી ઉંમરનો થઇ ગયો છે. લાંબા સમયથી આ મહિલાનો પતિ ઘરમાં કશું જ ધ્યાન આપતો નહોતો. ૧પ દિવસ પહેલા તે તેની પત્નીને તરછોડીને તેના પિયરમાં મૂકી ગયો હતો.

પિયરમાં આ મહિલા રસોઇ બનાવતી હતી ત્યારે તાવડીમાં અડધી રોટલી બહાર રહેતી હોવાથી તેના પિતાનું એ તરફ ધ્યાન જતાં મહિલાએ પોતાને દેખાતું ન હોવાનું જણાવ્યું હતું અને હોસ્પિટલમાં તપાસ કરતાં તેને બન્ને આંખમાં મોતિયો હોવાનું બહાર આવ્યું હતું. પિતા દ્વારા દેવું કરીને તેનું આંખનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. ત્યારે તેનો પતિ ખબર પુછવા પણ આવ્યો નહોતો. મહિલાએ અમરેલી ૧૮૧ ને જાણ કરતા કાઉન્સેલીંગ ટીમ દ્વારા તેના પતિને બોલાવીને એક પતિ તથા પિતા તરીકેની ફરજો સમજાવી હતી અને જો યોગ્ય સુધાર નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી અંગે પણ મહિલાને માર્ગદર્શન અપાયું તથા અમરેલીના સખી કેન્દ્રની પણ માહિતી આપવામાં આવી હતી. જો સુધાર નહીં થાય તો આગળની કાર્યવાહી કરાશે.

(1:21 pm IST)