Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કચ્છના લખપતમાં પવનચક્કી નાખવાના મુદ્દે ભુજના યુવાન પાસેથી રૂપિયા માંગવાની ફરિયાદ : માધાપરમાં વિદેશી દારૂ સાથે પટેલ યુવાન ઝડપાયો

(ભુજ) લખપત તાલુકાના પાનેલી ગામે ચાલી રહેલ પવનચક્કીના કામમાં રૂપિયા પડાવવાના હેતુથી આડખીલી ઉભી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા હિતેશ પુરુષોત્તમ ચુડાસમા નામના યુવાને લખપતના પાનેલી ગામના ઉદયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી ઉદયસિંહ જાડેજાએ ફરિયાદી હિતેશ ચુડાસમાની કંપનીના પવનચક્કીના પાંખડાઓ લઈ જતા ત્રણ ટ્રેઇલરો બળજબરી પૂર્વક રોકી રાખ્યા હતા. 

જેના કારણે સાત લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ઉપરાંત આરોપી ઉદયસિંહે સાઈટ ઉપર કામ કરતા મજદૂરોને ધકધમકી કરી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી ઉદયસિંહ જાડેજાએ આ કૃત્ય પૈસા પડાવવાના હેતુ થી કરાયું હોવાનું જણાવાયું છે. 

દયાપર પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાયા બાદ પીએસઆઇ વાય.પી. જાડેજાએ આરોપી ઉદયસિંહ જાડેજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પશ્ચિમ કચ્છ એલસીબીના પોલીસ કર્મી ધર્મેન્દ્ર રાવલે માધાપર ત્રણ રસ્તા પાસેથી એક્ટિવા ઉપર દારૂ લઈ જતા યુવાનને ઝડપી પાડ્યો હતો. જલારામ નગર માધાપરમાં રહેતા અને મૂળ મહોબતપુરા, વંથલી, જૂનાગઢના પરેશ મગનલાલ આરદેશણા (પટેલ) પાસેથી રૂપિયા ૧૪ હજારની કિંમતનો ૪૪ બોટલ વિદેશી દારૂ પકડાયો હતો. 

આરોપી પરેશ પોતાની એક્ટિવામાં દારૂનો જથ્થો લઈ જતો હતો. તેના પાસેથી મોબાઈલ, એક્ટિવા સ્કૂટર અને દારૂ સાથે કુલ ૪૮ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી તેની ધરપકડ કરી છે. વધુ તપાસ ભુજ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

(12:11 pm IST)