Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

થાનમાં જુના મનદુઃખ અને કતરાવા બાબતે સશસ્ત્ર મારામારીઃ ૪ ઘવાયા

ધોકા-પાઇપથી હુમલોઃ પથ્થરમારોઃ દાનાભાઇ બગડા અને સામા પક્ષે અશોકભાઇ છાસીયા અને બે ભત્રીજા અજય તથા રાહુલને ઇજાઃ ચારેયને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૭: થાનગઢમાં વિટકો પોટરી પાછળ આંબેડકરનગરમાં રહેતાં બે  વણકર પરિવારો વચ્ચે જુના મનદુઃખ અને સામુ જોઇ કતરાવા બાબતે ધોકા-પાઇપથી મારામારી થતાં અને પથ્થરમારો થતાં ચારને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ થાન આંબેડકરનગરમાં રહેતાં ભરત રામજીભાઇ ખરા (ઉ.૨૪)ને પડોશમાં રહેતાં દિપકભાઇ સાથે એક વર્ષ પહેલા માથાકુટ થઇ હોઇ તેના મનદુઃખને લીધે રાત્રે દિપકભાઇએ લાફો મારી લેતાં બોલાચાલી થયા બાદ ભરતના મામા મારૂતિનંદન સોસાયટીમાં રહેતાં દાનભાભાઇ માણસુરભાઇ બગડા (ઉ.૬૦) દિપકભાઇને સમજાવવા જતાં તેણે તથા અશોક અણદા, હરેશ અણદા, મેહુલ, રાહુલ, સંદિપ, અજય સહિતે હુમલો કરી માર મારતાં થાન સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે.

સામા પક્ષે અશોકભાઇ અણદાભાઇ છાસીયા (ઉ.૪૩) તથા તેના બે ભત્રીજા રાહુલ દિપકભાઇ છાસીયા (ઉ.૨૪) અને અજય દિપકભાઇ છાસીયા (ઉ.૨૨) પણ પોતાના પર દાનાભાઇ, જયેશ સામતભાઇ, દિલીપ દાનાભાઇ, જગા દાનાભાઇ, હરેશ સામતભાઇ, ભરત રામાભાઇ સહિતે પાઇપથી હુમલો કરી માર મારી પથ્થરમારો કરી ઇજા કર્યાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે થાન પોલીસને જાણ કરી હતી. અજય અને રાહુલના કહેવા મુજબ ભરતભાઇ જુના મનદુઃખને લીધે સામુ જોઇ કતરાતો હોઇ તે બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી.

(12:06 pm IST)