Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જામસલાયાના માછીમારે પોરબંદરના દરિયામાં પાકિસ્તાનીઓ વિરુદ્ઘ ૨ લાખની લુંટની ફરિયાદ

૫ મહિના જુના બનાવની ફરિયાદ અત્યારે ડ્રગ્સ પકડાયું ત્યારે કેમ થઈ? પોલીસ ઉપરાંત એજન્સીઓએ પણ એલર્ટ

ભુજ, તા.૨૭: પાંચ મહિના પૂર્વે પોરબંદર-જખૌ વચ્ચેના દરિયામાં બનેલા લૂંટના બનાવની હમણાં થયેલી ફરિયાદે પોલીસ સહિતની એજન્સીઓમાં ચર્ચા જગાવી છે.

મૂળ જામનગરના જામસલાયાના અને જખૌમાં માછીમારી કરતા હનીફ જુસબ સંઘારે નારાયણસરોવર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત ૨૬/૧૨/૧૮ ના તેમના ભાઈ સીદીક જુણસ સંદ્યારની માલિકીની બોટ જીજે ૧૨ એમઓ ૦૦૪૯ ગોરીશા સુલતાનમાં બોટના ટંડેલ અસલમ અનવર સંદ્યાર અને અન્ય માછીમારો આંતરરાષ્ટ્રીય જળસીમાં પાસે માછીમારી કરી રહ્યા હતા.

 ત્યારે પાકિસ્તાન તરફથી સ્પીડ બોટમાં આવેલા ૨ થી ૪ શખસોએ હવામાં ફાયરિંગ કરીને બંદૂકની અણીએ ૪૦૦ કિલો માછલીનો જથ્થો, ૩ મોબાઈલ, જીપીએસ, વાયરલેસ સહિત ૨ લાખના મુદામાલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ફરિયાદ કચ્છની નારાયણસરોવર પોલીસે નોંધીને વધુ તપાસ માટે પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનને મોકલી આપી છે. અત્યારે ડ્રગ્સ પ્રકરણ ચર્ચામાં છે તે સમયે આંતરરાષ્ટ્રીય જળસીમાં (આઈએમબી) પાસે થયેલી પાંચ મહિના જૂની લૂંટની ફરિયાદને ભારતીય સુરક્ષા એજન્સીઓ ગંભીરતાથી જોઈ રહી છે.

(12:05 pm IST)