Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જસદણ પંથકમાં મને સોંપેલા વિસ્તારમાં ભાજપને લીડ : ડો. બોઘરા જ્ઞાતિવાદનું વીજ રોપી તમે પાપ કર્યું છે : પોપટભાઇ રાજપરા

લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઓછી લીડ મળતા સામસામા આક્ષેપોનો મારો

રાજકોટ, તા. ર૭ : રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી ડો. ભરતભાઈ કે બોઘરાના જણાવ્યા અનુસાર જસદણ વિધાનસભા વિસ્તારમાં તેમને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ જગ્યાએ ભાજપની લીડ નીકળી છે . જો કે વિધાનસભા પેટા ચૂંટણીમા આ બધા વિસ્તારોમા ભાજપની લીડ ઘટી હતી તે વાત પણ ચર્ચામાં છે.

 ડો. બોઘરાએ જણાવ્યુ હતુ કે પોતાને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ વિસ્તાર એટલે કે જસદણ શહેર, જિલ્લા પંચાયતની સાણથલી બેઠક, મોટા દડવા, કમળાપુર, લીલાપુર, ભાડલા સહિતના વિસ્તારોમાં ભાજપની લીડ નીકળી છે. જસદણ શહેરમાં ભાજપને ૬૫૭૬ મતની, આટકોટ જિલ્લા પંચાયતમાં કોળી સમાજના ત્રણ ગામ ને બાદ કરતા ૨૫૦૦ મતની સરસાઈ, સાણથલી જિલ્લા પંચાયતમાં ૨૫૭૪ની મોટાદડવામાં ૫૦૦ની, કમળાપુર ગામામાં ૨૪૫ની, ભાડલામાં ૮૪૪ મતની સરસાઇ ભાજપને મળી છે. વધુમાં ડો. બોદ્યરા એ જણાવ્યું હતું કે ઇતર સમાજ તેમજ પટેલ સમાજના ગામડાઓની જવાબદારી પક્ષ દ્વારા તેમને સોંપવામાં આવી હતી. તેમને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ વિસ્તારની મળીને કુલ ૧૪ હજાર મત જેટલી ભાજપને લીડ મળી છે જયારે કેબિનેટ મંત્રી ના કોળી સમાજના પ્રભુત્વ ધરાવતી વિછીયા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૫૦૦, ભડલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૩૨૧૬, પીપરડી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૧૩૬૦, કમળાપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૭૦૦, શિવરાજપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૨૩૦૦, ભડલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૫૦૦ ની લીડ મળી છે કેબિનેટ મંત્રી ના ગામ જનડા કંધેવાળીયા માં પણ કોંગ્રેસને ચારસો મતની લીડ મળે છે.

 કેબિનેટ મંત્રી ને જે જિલ્લા પંચાયતની સીટો ની જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ જગ્યાએ કોંગ્રેસને લીડ મળી છે કેબિનેટ મંત્રીના કોળી સમાજની પ્રભુત્વ ધરાવતી તમામ જિલ્લા પંચાયતોમાં મળીને અંદાજે બાર હજાર જેટલું મતનું ભાજપને નુકસાન થયું છે. વધુમાં ડો. ભરતભાઈ બોદ્યરા એ જણાવ્યું હતું કે પોતે દાયકાઓથી ભાજપના સૈનિક તરીકે કાર્યકર તરીકે કામ કરે છે અને આ ચૂંટણીમાં પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને મને સોંપવામાં આવેલી જવાબદારીના વિસ્તારોમાં મે ભાજપની સારી એવી સરસાઈ કાઢી હોવાનું અંતમાં  ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું.

પોપટભાઇ રાજપરાના આક્ષેપો

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : ડો. ભરત બોઘરાના આક્ષેપોનો જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરાએ જવાબ આપતા જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ડો. ભરત બોઘરાને જે જવાબદારી આપવામાં આવી હતી એજ જવાબદારી કુંવરજીભાઇની પેટા ચૂંટણીમાં ડો. બોઘરાને આપવામાં આવી હતો જો લોકસભામાં ડો. બોઘરાની આબરૂથી મતો મળ્યા તો પેટાચૂંટણીમાં કેમ ખૂબ નુકસાન થયું ? ત્યારે તમારી આબરૂ નહોતી ? ત્યારે વિસ્તાર તમારી સાથે નહોતો કે તમે વિસ્તારની સાથે નોહતા ? તો અત્યારે દરેક જગ્યાએ જયાં તમે હતા ત્યાં લીડ મળી ! અને રહી વાત કમળાપુરની તો ભરત બોઘરા, મનસુખભાઇ રામાણી, ધીરૂભાઇ રામાણી આટલા જવાબદાર આગેવાનો હોવા છતાં તમારા ગામમાં કેમ ધાર્યા મતો ના મળ્યા ? અને તમે પોતાને ભાજપના સૈનિક કાર્યકર ગણો છો તો યાદ કરો કુંવરજીભાઇની પેટાચૂંટણીમાં તમે કલર બદલ્યા હતા.

આ તો ચેરમેન બનાવ્યા એટલે કામે લાગ્યા પાર્ટીના સૈનિક છો એવો શબ્દ તમારા મોઢે ના શોભે !  અને તમારા રાજકીય રોટલા શેકવા કોળી સમાજ, પટેલ સમાજ અને ઇતર સમાજના ભાગલા પડાવવાનું કામ બંધ કરો પટેલ સમાજ અને ઇતર સમાજે હું ચૂંટણી લડયો ત્યારે મારી સાથે પણ હતા મને ખોબલે ખોબલે મતો આપ્યા હતા તમે આવ્યા અને પટેલ સમાજ ભાજપ આવ્યો છે એવુ ગપ્પા બંધ કરો અને પટેલ સમાજ અને બીજા સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો લોકોએ નરેન્દ્રભાઇ મોદીના નામ અને કુંવરજીભાઇના કામોને ધ્યાને લઇને મતો આપ્યા છે આવા ખોટા લીંબડ જસ લેવાની તમારી જુની આદતમાં ફેરફાર કરો તો સારૂ. ગુજરાતની કઇ એવી ચૂંટણી છે જે તમારે નથી લડવી લોકસભા, રાજયસભા, વિધાનસભા, પાર્ટી સંગઠન ગમે ત્યાં હું હું ને હું તો જસદણમાં તમારા સિવાય કોઇ આગેવાનો નથી ? તમે જે જસદણ પાલિકામાં જ્ઞાતિવાદનું બીજ રોપી જે પાપ કર્યું એનો ભોગ આખુ ગામ બન્યું અને ગામની દશા બગાડવાનું પાપ કર્યું છે એ જસદણની જનતા ખૂબ સારી રીતે જાણે છે અને એના પરિણામે તમે ૩ ચૂંટણી હાર્યા તેમ અંતમાં પોપટભાઇ રાજપરા પૂર્વ ચેરમેન મા. યાર્ડ જસદણએ જણાવ્યું હતું.

(12:02 pm IST)