Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

લગ્નમાં આવેલી બે સગીર આદિવાસી બહેનો પર દુષ્કર્મ :ત્રણ શખ્સોએ પીંખી નાખી :એકની હત્યા

દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તાલુકાના દેપડા ગામેં કૃત્ય

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેપડા ગામે બે  સગીર આદિવાસી બહેનો પર દુષ્કર્મ  થયાની ફરિયાદ નોંધાઈ છે નરાધમોએ દુષ્કર્મ આચરી એક માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. 14મેના રોજ આ ઘટના ઘટી હતી. મૃત બાળકીના મેડિકલ તપાસ દ્વારા છોકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
  આ અંગે જાણવા મળતી વિગત મુજબ 14મેની રાત્રીએ બે બહેનો દેપડા ગામમાં રહેતા પોતાના સંબંધીઓને ત્યાં લગ્નમાં ગઈ હતી. લગ્ન હતાં તેમના ઘરે જઈને થાકેલી 9 વર્ષની પારૂલ (નામ બદલેલ છે) ઊંઘી ગઈ હતી. પારુલની 16 વર્ષની બહેન શ્વેતા (16) પણ થાકી ગઈ હોવાથી મોડી રાત્રે ઘરની અંદર આવીને બેસી ગઈ હતી, જ્યારે અન્ય લોકો લગ્નના ઉત્સાહમાં પરોવાયેલા હતા.

   કથિત રીતે રાત્રે 12:15 વાગ્યે શ્વેતા પાસે આવીને પારુલે કહ્યું કે તેને મજા નથી આવતી થોડી રાહત જોઈએ છે જેથી શ્વેતા તેને ઘરની પાછળની બાજુ ફરવા લઈ ગઈ હતી. જ્યાં રાજસ્થાનના કલ્પેશ કટારા અને ઝાલોદના મેહુલ તથા સુનિલ ગરાસિયા બંને બહેનો પાસે આવ્યા હતા. મેહુલ અને કલ્પેશ બંને લગ્નમાં વીડિયોગ્રાફી કરવા માટે આવ્યા હતા. પારુલના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું કે પારુલ તેની દાદી પાસે પરત આવી ગઈ હતી પણ વહેલી સવારે તે ગાયબ થઈ ગઈ હતી. પારુલના પિતાએ શોધખોળ શરૂ કરી ત્યારે એક કુવામાંથી પારુલ મળી આવી હતી.

   ઘટનાની રાતથી જ કલ્પેશ કટારા, મેહુલ અને સુનિલ ગરાસિયા ગાયબ થઈ ગયા હોવાથી પારુલના પિતાને આ ત્રણેય શખ્સ પર શંકા ગઈ હતી. રાત્રે તેમના પરિજનોએ ત્રણેય આરોપીઓને ફોન કરવાની કોશિશ પણ કરી હતી પણ તેમનો ફોન બંધ આવતો હતો. જેથી શંકાના આધારે પારુલના પિતાએ ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

   ઉપરાંત શ્વેતાએ પણ પોલીસનો સંપર્ક સાધ્યો અને કલ્પેશ કટારાએ તેનો રેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. FIRમાં શ્વેતાએ ખુલાસો કર્યો કે ત્રણેય આરોપીઓએ પારુલ પર રેપ કર્યો હતો અને તેમાંથી બે પારુલને દૂર લઈ ગયા હતા. લગ્નના વીડિયો ફૂટેજ અને કોલ રેકોર્ડના આધારે લિંબડી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઈન્સપેક્ટર બી.કે. બારિયાએ કહ્યું કે સંદિગ્ધોના નામ આપવામાં આવ્યાં છે, ત્યારે તેઓ આ મામલે સંડોવાયેલા હતા કે નહીં તે અંગે ખાતરી કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે પૂછપરછ માટે રિમાન્ટ મેળવવા ત્રણેય આરોપીઓને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે

(8:40 pm IST)