Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મોરબીમાં તંત્રનો આંકડાનો ખેલ : ૬ના મોત સામે ૧૮ની અંતિમવિધિ

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર ૬૬ કેસ જ દર્શાવ્યા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૮૫૪ કેસમાંથી ૩૮૫૪ સાજા થયા : જ્યારે આજે સરકારી આંકડા મુજબ વધુ ૬ દર્દીના મૃત્યુ સાથે કુલ ૩૨૬ના મોત : એકિટવ કેસ ૬૭૪

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. જોકે રાહતની વાતએ છે કે મોરબી જિલ્લામાં નવા પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે.  સોમવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૦૮૧ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૬૬ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જયારે પણ મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૬ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. તેમજ સત્તાવાર મોરબી જિલ્લામાં ૬ કોવિડ ડેથ જાહેર કર્યા છે.

જયારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા કુલ ૧૮ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી ૧૧, મોરબી ગ્રામ્ય ૨૧, વાંકાનેર સીટી ૫, વાંકાનેર ગ્રામ્ય ૦૦, હળવદ સીટી ૦૨, હળવદ ગ્રામ્ય ૧૧, ટંકારા સીટી ૦૦, ટંકારા ગ્રામ્ય  ૧૨, માળીયા સીટી  ૦૦, માળીયા ગ્રામ્ય  ૦૪ સહિત નવા કુલ ૬૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં ૩૧, વાંકાનેર તાલુકામાં  ૦૬, હળવદ તાલુકામાં  ૦૮, ટંકારા તાલુકામાં  ૦૭, માળીયા તાલુકામાં  ૦૨, જિલ્લામાં કુલ ૫૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એકિટવ કેસ  ૬૭૪,  કુલ ડિસ્ચાર્જ કેસ  ૩૮૫૪, મૃત્યુઆંક  ૫૬ (કોરોનાના કારણે) ૨૭૦ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ  ૩૨૬, કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ  ૪૮૫૪, અત્યાર સુધીના કુલ  ૨૫૧૪૧૬ દર્દીઓના ટેસ્ટ થયા છે.

(1:13 pm IST)