Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ધોરાજીમાં ઇન્જેકશન ફાળવણી મામલે તંત્રની વ્હાલા દવલાની નીતિ ?

માંગણીના ૧૦% જ ઇન્જેકશન ફાળવે છે : લલિત વસોયા : ૫૦% જથ્થો નહીં અપાઇ તો ઉપવાસ

ધોરાજી,તા.૨૭:  કોરોના મહામારી વચ્ચે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ઓકિસજન અને ઇન્જેકશનની તંગીને લઈને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકો પોતાના સ્વજનો ના જીવ બચાવવા ભિખારી માફક દવાઓ, ઇંજેકશન અને ઓકિસજન મેળવવા ઠેર ઠેર ભટકી રહ્યા છે.

આવા સંજોગોમાં મેડિકલ ચીજ વસ્તુઓની તંગીને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા છે.

ધોરાજી સરકારી હોસ્પીટલ અને ખાનગી હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફ ખડે પગે સેવા કરી રહ્યાં છે. પરંતું ઓકિસજન અને રેમડેસીવરની તંગીથી તેમના હાથ બંધાઈ ગયા છે. ધોરાજીમાં ડિમાન્ડ નાં ૧૦ % ઇંજેકશન ફાળવતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આક્રોશભેર જિલ્લા કલેકટર ને પત્ર લખીને જણાવ્યું છે કે આવતીકાલ સુધીમાં માગણી મુજબનાં ઇંજેકશન નો જથ્થો ૫૦ % નહી ફાળવવામા આવે તો પ્રાંત અધિકારીની કચેરી બહાર ઉપવાસ આંદોલન પર બેસવા ફરજ પડશે. આ દરમિયાન જો પોલીસ અટકાયત કરશે તો પણ ઉપવાસ આંદોલન ચાલુ રાખીશ..

ધારાસભ્ય વસોયાને હાઇપર ડાયાબિટીસ છે. અને હાલમાં કોરોનાની સારવારમાંથી બહાર આવ્યા હતા. છતાં લોકો પર આવેલી આફત સામે હવે ઇન્જેકશન અને ઓકિસજનનાં મુદ્દે સરકાર સામે આંદોલન છેડવા શસ્ત્ર ઉગામ્યું છે.

(1:12 pm IST)