Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મોરબીની સદ્ભાવના હોસ્પિટલમાં ઓકસીજનની તીવ્ર અછત : હોસ્પિટલ બંધ કરવાની ટ્રસ્ટની તૈયારી

પત્રકાર પરિષદ સંબોધી હોસ્પિટલ સંચાલકોએ વ્યથા ઠાલવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલમાં કોવીડ ડેઝીગ્નેટેડ સેન્ટર એક વર્ષથી કાર્યરત છે જોકે હાલ ઓકસીજનની અછત વર્તાઈ રહી હોય તેમજ રેમડેસીવર ઇન્જેકશન પણ મળતા ના હોય જેથી હોસ્પિટલ સંચાલકોએ તંત્રને ઓકસીજન સપ્લાય પૂરો પાડવા જણાવ્યું છે અન્યથા હોસ્પિટલ બંધ કરવાની તૈયારી દર્શાવી છે.

મોરબીની સદભાવના હોસ્પિટલ દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ વર્ષ ૯૮૬ થી કાર્યરત છે અને કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જોકે હાલ કોવીડ પેશન્ટ ખુબ વધી ગયા હોય અને બહારથી જે ઇન્જેકશન મળતા હતા તે સરકારે બંધ કર્યા અને સિવિલ હોસ્પિટલથી ઇન્જેકશન મળશે તેમ જણાવ્યું છે પરંતુ ગત તા. ૧૯ ના રોજ તેની હોસ્પિટલના ૪૦ દર્દીઓ માટે એકપણ ઇન્જેકશન ફાળવ્યું નથી તો તા. ૨૦ ના રોજ ૪૧ દર્દીઓ સામે આઠ ઇન્જેકશન મળ્યા હતા જે કોઈપણ સંજોગોમાં પુરા કરી સકાય તેમ નથી ઇન્જેકશનાના અભાવે કોઈ અનિચ્છનીય બનાવ બને કે ઈમરજન્સી ઉભી થાય તો તેની જવાબદારી કલેકટરની રહેશે તો ઓકસીજન સપ્લાય પણ મળતી નથી હોસ્પિટલને પ્રતિદિન ૫૦ થી વધુ જમ્બો બાટલાની જરૂરત છે પરંતુ પૂરતા પ્રમાણમાં મળતા નથી જેથી દર્દીઓની યોગ્ય સારવાર કરી શકાતી નથી અને આવી સ્થિતિમાં દર્દીઓને સારવાર આપી શકાતી ના હોય જેથી ઇન્જેકશન અને ઓકસીજન મામલે યોગ્ય કાર્યવાહી ના થઇ શકતી હોય તો કોવીડ હોસ્પિટલ બંધ કરવાની તૈયારી દર્શાવી છે અને પોતાની લાચાર સ્થિતિ માટે તંત્ર જવાબદાર હોવાનું જણાવ્યું હતું તો કલેકટરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો જોકે ફોન ઉઠાવ્યો ના હતો.

ઓકસીજન માટે ભીખ માંગીએ છીએ : હોસ્પિટલ સુપ્રીન્ટેનડેન્ટ

પત્રકાર પરિષદમાં ડો. જયેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ૫ દિવસથી તકલીફ છે અગાઉ રાજકોટથી ઓકસીજન આવતો તે રાજકોટ કલેકટર સ્ટાફે બંધ કરાવ્યો છે અને રાજકોટ બહાર આપવા મનાઈ કરી છે ગઈકાલે રાજકોટ અને ગાંધીધામ ગાડી મોકલી હોય છતાં હજુ પુરતો ઓકસીજન મળ્યો નથી હાલ ૩૭ દર્દીઓ પૈકી ૨૧ દર્દીઓ ઓકસીજન બેડ પર અને ૦૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે ૧ વર્ષથી કોરોના હોસ્પિટલ ચલાવીએ છીએ પરંતુ ઓકસીજન મળતો નથી અને દર્દીના સગાઓ પૂછે છે તેને શું જવાબ આપવો, સરકારી અધિકારીઓ જવાબ આપતા નથી તેવી વ્યથા ઠાલવી હતી

ઓકસીજન મળતો નથી તો ડોકટરો શું કરે : દર્દીના સગા

આ તકે અહી સારવાર લઇ રહેલ દર્દીના સગાએ જણાવ્યું હતું કે ડોકટર મહેનત કરે છે પરંતુ ઓકસીજન ના મળે તો ડોકટર શું કરે ઓકસીજન સપ્લાય પૂરો મળતો ના હોવાનું ડોકટર જણાવે છે અને તેઓ પણ લાચાર સ્થિતિમાં મુકાયા છે ત્યારે સરકાર અને જવાબદાર તંત્ર વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી.

કોવીડ પેશન્ટને તાત્કાલિકશિફટ કરવાની માંગ

ઓકસીજન પુરતા પ્રમાણમાં મળતો નથી જેથી ગંભીર દર્દીઓની યોગ્ય સારવાર કરી શકાતી ના હોય જેથી તંત્ર ગંભીર દર્દીઓને તાત્કાલિક શિફટ કરવામાં મદદ કરે અને દર્દીઓને શિફટ કરી હોસ્પિટલ બંધ કરવા સુધીની તૈયારી હોસ્પિટલ સંચાલકોએ દર્શાવી હતી.

(1:10 pm IST)