Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કવિ દાદે વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરીને ચારણી સાહિત્યને જીવંત રાખ્યુ'તું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, વિજયભાઇ રૂપાણી, પરિમલભાઇ નથવાણી, લોક કલાકારોએ શ્રધ્ધાંજલી અર્પી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : ગુજરાતી સાહિત્યને પોતાના શબ્દોથી અજવાળનારા કવિ દાદુમાન ગઢવી (કવિ દાદ) બાપુનું નિધન થતાં સાહિત્ય જગતમાં કયારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત એવા દાદ બાપુ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. ૮૨ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તાજેરરમાં જ તેમનો પુત્ર મહેશદાનનું કોરોનામાં મૃત્યુ થયું હતું. એમને બે પુત્રો અને બે પુત્રી છે. તેમના અંતિમ સંસ્કાર પડધરીના ધુનાનામાં કરાયા હતા.

દાદબાપુની જીવન ઝરમર પર દ્રષ્ટિપાત કરીએ તો તેમના પિતાજી પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકુમતમાં રાજ કવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઇશ્વરિયા અને સાપર ગામ આપ્યા હતા. ખેતી કરતા - કરતા વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરી કવિ દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી, લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, રાજભા સહિત કલાકારોએ દાદબાપુ અમારા સોરઠનું ઘરેણુ હતા કહી ભાવાંજલી આપી હતી.

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યોથી પ્રચલિત બનેલા કવિ દાદે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, કૈલાસ કે નિવાસી સહિતની અનેક રચના બનાવી હતી. રચના પર ૮ પુસ્તકો પ્રસિધ્ધ થયા હતા. ૧૫ ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતો ગવાયા છે.

કવિ દાદની ૨૬મી જાન્યુઆરી ૨૦૨૧ના પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ હતી. જોકે, હજુ તેને એવોર્ડ એનાયત થયો નથી. સંભવતઃ કોરોનાના કારણે એવોર્ડ વિતરણ ફંકશન થઇ શકયું નહીં હોય.

કવિ દાદને પદ્મશ્રી પહેલા ગુજરાત ગૌરવ એવોર્ડ, મેઘાણી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્ર યુનિ.માં એક ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીએ તો કવિશ્રી દાદ ઉપર પીએચડી પણ કર્યું છે.

(11:37 am IST)