Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

લોધિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોરોના ટેસ્ટ કીટ તથા દવા પુરી પાડવા રજૂઆત

ખીરસરા (રણ) તા.૨૭ : લોધીકા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટ કીટ તથા કોરોનાની જરૂરિયાતો પુરી પાડવાની રજૂઆત તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ સતાવાળાઓને રજુઆત કરી છે.

લોધીકા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર કીટની તીવ્ર અછત છે સાથે કોઇ વ્યકિત પોઝીટીવ આવે તો તેની સારવારની દવાની પણ અછત છે અને તાલુકા વિકાસ અધિકારી લોધીકા આ મહામારીની આરોગ્યલક્ષી કામગીરીમાં પાગળા સાબિત થયેલ છે. તેઓએ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને ડીઝાસ્ટર શાખા દ્વારા લોધીકા સધ્ધર ગ્રામ પંચાયતને આરોગ્યને લગતી દવા તેમજ ટેસ્ટકીટ ખરીદવાનો પત્ર સાત દિવસ પહેલા લખેલ છે પરંતુ આ અમલવારી ખીરસરા તેમજ મેટોડા સિવાયની બીજી સધ્ધર પંચાયત દ્વારા હજુ સુધી થયેલ નથી. ટીડીઓ આ કામગીરીમાં નબળા સાબિત થયેલ છે. ડીઝાસ્ટર શાખાના પત્રનો તાત્કાલીક અમલ થવો જોઇએ તે થયેલ નથી. ટીડીઓની કામગીરી સામે સવાલો ઉઠેલ છે તેમજ તાલુકા વિકાસ અધિકારી ઇમરજન્સી માટે આરોગ્યની ગ્રાન્ટ પ્રમુખશ્રી તેમ સભ્યોને આપવી જોઇએ તેનો પણ આ વિકટ પરિસ્થિતિમાં અમલ કરેલ નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.

અત્યાર સુધીમાં લોધીકા તાલુકાની એકપણ ગ્રામપંચાયતમાં જાત મુલાકાત લઇને ટીડીઓ શ્રીએ મહામારીની સમીક્ષા લીધેલ નથી તેમજ એકપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ટેસ્ટ કીટો કે દર્દી માટેની દવાની શું સ્થિતિ છે તેની જાણ પણ નથી તેવુ લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવેલ છે.

(11:32 am IST)