Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સરકારી સભ્યોને અપાતી સવલતોમાં કાપ મુકો, પેટાચૂંટણીની પ્રથા રદ કરોઃ બાંભણીયા

રાજકોટ તા. ૨૭ દેશની આઝાદી વખતે રજવાડાઓએ પોતાની માલીકીની મિલકત દેશને અર્પણ કરેલી અને મિલકતો સામે આજીવીકાના રૂપમાં વળતર માટે સાલીયાણાના નામે રકમ નકકી કરવામાં આવેલ હતી. અમુક વર્ષો બાદ સ્વ. ઇન્દીરાબેન ગાંધીએ આ રકમ આપવાનું બંધ કરી દીધું હતું પરંતુ હવે દેશનાં રાજકીય નેતાઓ સાલીયાણાની જેમ દેશની પ્રજાના ટેકસના પૈસાથી જયાફત ઉડાવી રહ્યા છે ત્યારે ધારાસભા, રાજયસભા તથા લોકસભાનાં સભ્યોને અપાતી સવલતોમાં કાપ મુકવાની જરૂરત છે તેમ એક નિવેદનમાં જસદણના પૂર્વધારાસભ્ય શ્રી ભીખાભાઇ બાંભણીયાએ માંગણી કરી હતી.

શ્રી ભીખાભાઇ બાંભણીયાએ ઉમેર્યુ હતું કે, હાલમાં પ્રજાના પ્રતિનિધિઓ (લોકસેવક) તરીકે જતાં ત્રણેય ગૃહમા સભ્યોને બહુ જ મોટછ રકમ તેમજ અન્ય સવલતો આપવામાં આવે છે જે દેશની તથા આમ જનતાની પરિસ્થિતિનાં સંદર્ભમાં સહેજ પણ યોગ્ય નથી ત્યારે આ વાતને ધ્યાને લઇ રાજકીય નેતાઓને આપવામાં આવતી સવલતોમાં ફેરફાર કરવાની તેમજ કાપ મુકવાની જરૂરત છે.

ગૃહમાં સભ્યો કર્મચારીની વ્યાખ્યામાં આવતા નથી. તેથી તેઓ કોઇપણ પ્રકારનું વેતન કે સવલત મેળવી શકે નહિ, તેઓ ગૃહની કે અન્ય મિટીંગોમાં જાય ત્યારે વાહનભથ્થું, સીટીંગ ફી વગેરે સહિતના જે લાભ આપવામાં આવતા હોય તે તેમને મળે તેની સામે વાંધો નથી પરંતુ દર મહિને તેમને આપવામાં આવતી પગાર તેમજ અન્ય ભથ્થાઓ સહિતની અન્ય સવલતો આપવાનુ બંધ થવું જોઇએ.

ચૂંટણી પછી તરત આવતી પેટા ચૂંટણી પણ ભ્રષ્ટાચારને નોતરે છે. કોઇપણ રાજકીય પક્ષને ૩૩% હોદેદારો એ પણ અન્ય પક્ષમાં જોડાવું હોય તો તમામે પહેલા રાજીનામું આપી દેવું જોઇએ. કોઇપણ સભ્યો સંખ્યાબળ મુજબ રાજીનામું આપે તો પણ પક્ષાંતર ધારો લાગુ પાડવો જોઇએ. કેમકે, રાજકીય નેતાઓ આર્થિક લાભ માટે પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષ સાથે જોડાય જાય છે તે વાસ્તવમાં મતદારો તથા પક્ષ સાથેની ગદારી છે. તેથી ઉમેદવાર જે પક્ષનાં નિશાન ઉપર ચૂંટાયા હોય તે પક્ષને તથા મતદારો તરફ વફાદાર રહેવું જોઇએ. આર્થિક લાભ મેળવવા ગદારી કરવાનું કોઇપણ સંજોગોમાં વાજબી નથી. રાજીનામાથી ખાલી પડેલી આ જગ્યાઓ ખરા અર્થમાં તો ચૂંટણીની મુદત પુરી થયા બાદ જ ભરવી જોઇએ તેમજ પેટા ચૂંટણી ની પ્રથા રદ થવી જોઇએ તેમ તેમણે નિવેદનમાં અંતે ઉમેર્યુ હતું.

(12:45 pm IST)