Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કારોબારી અધ્યક્ષના આક્ષેપોમાં તથ્ય નહિ, સરકારે બહાલી ન આપતા કર્મચારીની બદલી રદ

કોટડાસાંગાણીના કર્મચારીના પ્રકરણમાં નિયામક પ્રજાપતિ કહે છે

રાજકોટ, તા. ૨૭ :. કોટડાસાંગાણી તાલુકાના મિશન મંગલમના તાલુકા લાઈવલીહુડ મેનેજર સોનલ વાળાની બદલીનો હુકમ કરીને રદ કરવાના પ્રકરણમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ કરેલા આક્ષેપોને જિલ્લા વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પ્રજાપતિએ તથ્ય વગરના ગણાવી સરકારની કંપનીએ બહાલી ન આપતા સદરહુ કર્મચારીની બદલીનો ઓર્ડર રદ થયાનુ જણાવ્યુ છે.

સમગ્ર વિવાદ અંગે શ્રી પ્રજાપતિને પૂછતા તેમણે અકિલાને જણાવેલ કે જે કર્મચારીની બદલીનો મુદ્દો છે તે કર્મચારીની બદલી માટે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી જી.ટી. પંડયા સમક્ષ રજૂઆત આવેલ. તે વખતે તેમની મૌખિક સૂચના મુજબ મેં બદલીનો હુકમ કરેલ. આ કર્મચારી મિશન મંગલમના કર્મચારી છે. તેમની નિમણૂક રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના સંલગ્ન ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા કરવામાં આવી છે. તેને લાગુ પડતા નીતિ નિયમ મુજબ તેની નિમણૂક અને બદલીની સત્તા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને નહિ પરંતુ કંપનીને જ છે. મેં જે તે વખતે તત્કાલીન ડી.ડી.ઓ.ને આ બાબત ધ્યાને મુકી તેમના કહેવા મુજબ સરકારી કંપનીની બહાલીની શરતે બદલીનો હુકમ કરેલ. ત્યાર બાદ આ પ્રકરણ કંપનીમા મોકલેલ. કંપનીએ બહાલી આપવાની ના પાડી દેતા ઓર્ડર રદ થયો છે તેથી કર્મચારી ફરી મૂળ જગ્યા પર જ ગણાય. કર્મચારી સામે ફરીયાદ હોય તો તપાસ કરી શકાય પણ મારી સત્તાની બહાર જઈને હું બદલીનો હુકમ કરી શકુ નહિ કે હુકમ રદ કરી શકુ નહિં.(૨.૧૬)

(12:44 pm IST)