Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કોમ્પ્યુટર યુગમાં જુનાગઢના કલાસાધકોની લાકડા પર ડીઝાઇનની 'કાબીલે દાદ' કામગીરીઃ કફત અનુભવ આધારે ઝીણી ડીઝાઇનની અધરી કોનરણી સરળતાથી કરે છે

જુનાગઢ તા.૨૭,:    કલાએ કુદરતની અણમોલ ભેટ છે. કલાની સાધના કરીને મેળવાતી રોજગારી બિરદાવવાને લાયક હોય છે. ટેકનોલોજીના આધુનિક યુગમાં કમ્પ્યુટરાઇઝડ ડીઝાઇન આવી ગઇ છે ત્યારે જુનાગઢમાં લાકડા પર ડીઝાઇન કરીને જીકસો કટીંગ કરતા કારીગરો લાકડા પર અવનવા કટીંગ કરીને ગૃહ સજાવટના કામો કરી આપે છે. જુનાગઢમાં વુડન કટીંગ ડીઝાઇનીંગના હવે માત્ર ચાર-પાંચ કારીગરો કામ કરે છે. આધુનિક ટેકનોલોજીને લીધે વુડન કટીંગના હસ્તકલાના કારીગરો ઓછા થતાં જાય છે. જુનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં ચારેક કારીગરો જીકસો કટીંગ કરે છે.

પ્લાયવુડ હોય કે સનમાઇકા કે લાકડા પરની કોતરણી આ બધા જ કામ ફટાફટ ડીઝાઇન કરીને કટીંગ કરતા ૨૫ વર્ષ જુના કારીગર અનીલભાઇ મકવાણા કહે છે કે, જીકસો કટીંગથી ફર્નિચર સજાવટ, દ્યરમાં પૂજાના સ્થળે રાખવામાં આવતા લાકડાના મંદિરો, સેફ્ટી ડોર કે બોર્ડ પરના અક્ષરોનું કટીંગ ડીઝાઇન કરીને કરીએ છીએ. સનમાઇકા પર ચોકથી સિધ્ધહસ્ત કલાકારની જેમ ડિઝાઇનીંગ કરતા અનીલભાઇએ વધુમાં કહયુ કે, દિમાગી કસરત સાથે શોખ હોયતોજ આ કલા પનપે છે, વિકસે છે. આ કલામાં દિમાગી મહેનત સાથે કાર્ય કર્યાનો પણ આનંદ મળે છે. કોઇના દ્યરના મંદિરની સજાવટમાં આપણી હાથ કારીગરી કે કલાનો ઉપયોગ થાય તે જ અમારા માટે જીવનનો સંતોષ છે.

આવા જ એક બીજા જીકસો કટીંગ કારીગરશ્રી પ્રવીણભાઇ વરૂ કહે છે કે, લાકડાનું કટીંગ કરવામાં ડીઝાઇન મુજબ સમય લાગે છે. અટપટ્ટી અને ઝીણી ડીઝાઇન હોય તો કટીંગમાં દ્યણી તકેદારી રાખવી પડે છે. જીકસો કારીગરીની કયાંય તાલીમ હોતી નથી. અનુભવથી જ કલાકરો લાકડાનું કટીંગ અને કોતરણી શીખી જાય છે. જુનાગઢના જુદાં જુદાં વિસ્તારમાંથી લોકો ગૃહ સજાવટ કે ફર્નિચરમાં સારા દેખાવ માટે કે મંદિર બનાવવા માટે જીકસો કટીંગ માટે આવતા હોય છે પરંતુ કામ કરાવવા આવનાર આ કારીગરોની હસ્તકલા જોઇને પ્રભાવિત થઇ તેની કલાને બિરદાવે છે.

અત્યારના આધુનિક સમયમાં કમ્પ્યુટરાઇઝડ ડીઝાઇન આવી ગઇ છે. છતાં પણ હસ્તકલાની ડીઝાઇનનું સ્થાન છે. લાકડા પર કોતરણી કરતા આ ડીઝાઇનરો હવે ગ્રાહકોની ઇચ્છા મુજબ કમ્પ્યુટરાઇઝડ તૈયાર ડીઝાઇન મુજબ પણ કટીંગ કરીને સમય સાથે તાલ મેળવી રોજગારી મેળવી રહ્યા છે. (૨૨.૪)

(11:57 am IST)