Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

મોરબીમાં પતિએ પત્નીને છરી ઝીંકી પતાવી દિધી

પ્રેમલગ્ન કરનાર વાળંદ વસંત લીંબાણી કામ ધંધો કરતો ન હોય પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પ્રેમીલાબેનને છરી ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધીઃ માતાને છોડાવવા વચ્ચે પડેલ પુત્ર સંજયને પણ છરીના ઘા ઝીંકી વસંત ફરાર

મોરબી તા. ર૭ :.. મોરબી પાસે પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીને ગત રાત્રીના છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે. અને પુત્રને પણ છરીના ઘા ઝીંકતા સારવારમાં ખસેડાયો હતો અને આરોપી પતિ બનાવને અંજામ આપી ત્યાંથી નાસી છૂટયો હતો.

જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીક, મોરબી - માળીયા (મીં.) હાઇવે પર આવેલ ટીખડીના પાટીયા પાસેની હોટલ અશ્વમેઘની પાછળ રહેતા વસંત કેશા લીંબાણી-વાણ છે. પ્રેમીલાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્ન કર્યા બાદ આરોપી કોઇ કામ ધંધો કરતો ન હોવાથી બન્ને વચ્ચે અવારનવાર કામ કરવા જવા બાબતે ઝગડા થતા હતાં.

ગત રાત્રીના અગીયાર વાગ્યાની આસપાસ આરોપી અને તેની મૃતક પત્ની પ્રેમીલાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી, ઝગડો થયો હતો અને આરોપી વસંતે ગાળો દઇ માર મારી છરી કાઢી મૃતકના છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હાથમાં પણ છરી મારી ગંભીર ઇજાઓ કરતાં પત્ની પ્રેમીલાબેનનું મોત નિપજયું હતું.

આ તકે પોતાની માતાને છોડાવવા વચ્ચે પડેલા પુત્ર અને ફરીયાદી સંજયને પણ આરોપી પિતાએ જમણા હાથે છરીના ઘા ઝીંકી દેતા પુત્રને પણ ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.  મોરબી તાલુકા પોલીસે ભાગી છૂટેલા આરોપી સામે ખુનના ગુના સહિતનો કલમો લગાડી તેનેઝડપી લેવા તપાસ આદરી છે. (પ-૧૬)

 

(11:54 am IST)