Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પાટડીના ધામા ગામમાં લગ્નના દાંડીયા રાસમાં ફાયરીંગ

અપશબ્દો બોલવાની ના પાડતા ઝીંઝુવાડાના શખ્સો તુટી પડ્યાઃ ૩ને ઈજા

 વઢવાણ, તા.,૨૭  : પાટડી તાલુકાના  ધામા ગામે લગ્ન પ્રસંગે ત્યા દાંડીયા રાસના કાર્યક્રમમાં ઝીંઝુવાડા ગામમાં ૯ થી ૧૦ શખ્સોએ હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરવાની સાથે તલવારો વડે હુમલો કરાયો હતો.

જેમાં ગણેશભાઇ, ખોડાભાઇ , હરીભાઇ, જેસંગભાઇ રાઠોડ, લીલાભાઇ, જેસંગભાઇ રાઠોડ જેમને સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ લઇ જવાયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પાટડી તાલુકાના ધામા ગામે રહેતા હરીભાઇ જેસીંગભાઇ રાઠોડના કૌટુંબીક ભાઇ રામભાઇ ખેંગાર ભાઇની દિકરીના લગ્ન પ્રસંગ હોઇ ધામા એમને ઘેર દાંડીયા રાસનો  કાર્યક્રમ હતો. ત્યારે ધામાની બાજુમાં આવેલા ઝીંઝુવાડા ગામના ચંદુભા છત્રસિંહ અને પ્રવિણસિંહ અને એ બન્નેના દિકરા સહીત ૮ થી ૧૦ જણાએ ધામા આવી ગાળો બોલતા એમને ગાળો ન બોલવાની સાથે ત્યાંથી જતા રહેવાનું કહેતા એમણે ભડાકા કરવાની ધમકી આપીને ત્યાંથી નિકળી ગયા હતા. આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને રાત્રીના અઢી વાગે જતી રહેતા ઝીંઝુવાડા ગામના ૮ શખ્સો બંદુક, તલવાર અને ધારીયા સહીતના સશસ્ત્ર સાધનો સાથે ધામા ગયા હતા.

ત્યાર બાદ ચંદુભા છત્રસિંહ ધામાના હરીભાઇ જેસંગભાઇ રાઠોડ પર ફાયરીંગ કરવા જતા ધામાના ગણેશભાઇ ખોડાભાઇએ ચંદુભા છત્રસિંહનો હાથ પકડી ઉંચો કરતા હવામાં ફાયરીંગ થયું હતું. આથી કોઇને ગોળી વાગી ન હતી.

બીજી બાજુ પ્રવિણસિંહ ઉશ્કેરાઇ જઇને ગણેશભાઇ ખોડાભાઇના માથામાં અને હરીભાઇ જેસંગભાઇ રાઠોડના માથામાં તલવારનો ઘા ઝીંકી દઇ હુમલો કરતા ઇજા પહોંચી હતી. આ ત્રણેય ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં પ્રાથમીક સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લવાયા બાદ હાલત નાજુક જણાતા ત્રણેય શખ્સોને વધુ સારવાર અર્થે વિરમગામ લઇ જવાયા હતા. આ બનાવ અંગે ઝીંઝુવાડા ગામના હરી જેસંગભાઇ રાઠોડ, ચંદુભા છત્રસિંહ અને એના દિકરા જેની આંખમાં ફુલુ  છે. પ્રવિણસિંહ અને એમના દિકરા ટીના સહિત ઝીંઝુવાડા ગામના  ૮ થી ૧૦ શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી.જાડેજા ચલાવી રહયા છે. (૪.૪)

(11:54 am IST)